ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે શિહોર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
મળતી વિગતો મુજબ ભાવનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા તથા સ્ટાફના માણસો શિહોર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાવનગર-રાજકોટ રોડ પર આવેલા બજુડ ગામના પાટિયા પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર ધારણ કરીને ઊભો છે, જેણે મરૂન કલરનો શર્ટ પહેરેલો છે અને માથા પર મોટા વાળ રાખેલા છે.
બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તુરંત જ બજુડ ગામના પાટિયા પાસે પહોંચીને તપાસ હાથ ધરતા બાતમી વર્ણનવાળો શખ્સ ત્યાં મળી આવ્યો હતો. પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો અને તેની તલાશી લેતા તેની પાસેથી લોખંડની ધાતુની સિલ્વર કલરની, 6 ઇંચ લાંબી બેરલ અને 4 ઇંચ લાંબા સિલ્વર-કાળા કલરના હાથાવાળી તથા ખાલી મેગેઝીનવાળી એક ચાલુ હાલતની પિસ્ટલ મળી આવી હતી. પોલીસે રૂ. 10,000/- ની કિંમતની આ ગેરકાયદેસર પિસ્ટલ કબજે કરી આરોપી વિજયભાઈ શંભુભાઈ મેર (ઉં.વ. 32, ધંધો-મજૂરી, રહે. લુવારા ગામ, તા. ગારીયાધાર, જી. ભાવનગર) વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી, આગળની તપાસ અર્થે તેને સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, બીજલભાઈ કરમટીયા, નિલેશભાઈ જોશી અને એજાજખાન પઠાણ જોડાયા હતા.
