પશુ પાલક પર હુમલો થયા બાદ ફરી ઘટના બનતા ગ્રામજનોમાં ફફડાટ, તંત્ર સામે રોષ
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા પંથકમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા અને હિંસક હુમલાઓની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. પાલીતાણાના પાંડેરિયા ગામે મોડી રાત્રે સાવજોના ટોળાએ ગામમાં ઘૂસીને ભારે આતંક મચાવ્યો હતો અને એક પશુપાલકના વાડાને નિશાન બનાવી અરેરાટીભર્યું મારણ કર્યું હતું. સિંહોએ વાડામાં બાંધેલા કુલ 4 પશુઓ પર એકસાથે હિંસક હુમલો કર્યો હતો, જેમાં 3 પશુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક પશુ ગંભીર રીતે ઘાયલ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના પશુપાલકોમાં તીવ્ર ફફડાટ ફેલાયો છે અને માલધારીઓએ પોતાના પશુધનની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
સ્થાનિક સૂત્રો અને ગ્રામજનો પાસેથી મળતી વિગતો અનુસાર, પાંડેરિયા ગામે મોડી રાત્રિના સમયે જ્યારે સમગ્ર ગામ નિદ્રાધીન હતું, ત્યારે સાવજોનું એક ટોળું શિકારની શોધમાં ગામની સીમ વટાવી રહેણાંક વિસ્તાર સુધી ધસી આવ્યું હતું. સિંહોએ ગામમાં આવેલા એક પશુપાલકના ઘર નજીકના પશુઓના વાડાની દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં બાંધેલા અબોલ પશુઓ પર તૂટી પડ્યા હતા. સિંહોના હુમલાના કારણે વાડામાં ભારે નાસભાગ અને દેકારો મચી ગયો હતો. આ હિંસક હુમલામાં સિંહોએ 3 પશુઓનો શિકાર કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વહેલી સવારે જ્યારે પશુપાલક પોતાના વાડામાં ગયો ત્યારે લોહીલુહાણ હાલતમાં પશુઓના મૃતદેહો જોઈ તેના હોશ ઊડી ગયા હતા. આ ઘટનાના કારણે ગરીબ પશુપાલક પરિવારને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, પાંડેરિયા ગામમાં સાવજોનો આતંક છેલ્લા બે દિવસથી ચરમસીમાએ પહોંચ્યો છે. હજુ ગઈકાલે જ સીમ વિસ્તારમાં એક સાવજે એક પશુપાલક પર અચાનક જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પશુપાલક માંડ-માંડ બચ્યો હતો. આ હુમલાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ સતત બીજા દિવસે સિંહોએ ગામની અંદર ઘૂસીને પશુઓનું મારણ કરતાં ગ્રામજનો હવે રાત્રે તો ઠીક, પણ દિવસે પણ ઘરની બહાર નીકળતા કે સીમમાં જતા ગભરાઈ રહ્યા છે.
આ ભયાનક ઘટના અંગે પીડિત પશુપાલક અને અગ્રણીઓ દ્વારા વહેલી સવારે જ વન વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે ઘટનાના કલાકો વીતી જવા છતાં વન વિભાગનો કોઈ પણ અધિકારી કે કર્મચારી સ્થળ પર તપાસ અર્થે પહોંચ્યો ન હતો. વન તંત્રની આ પ્રકારની નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારીને કારણે સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
