બે મહિનામાં વન્યપ્રાણીઓએ ત્રીજો માનવ ભોગ લેતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ
ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો આતંક હવે સીમાઓ વટાવી ચૂક્યો છે. મહુવાના બાંભણિયા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 10 વર્ષના માસૂમ બાળક નિત્યકુમાર પ્રકાશભાઈ ગોંડલીયાને નરભક્ષી દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માસૂમ બાળક નિત્યકુમાર શાળાએથી સાયકલ લઈને બાંભણિયાથી મોભિયાણા જવાના રસ્તા પર પોતાના પિતા પાસે જવા માટે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ઝાડીઓમાંથી અચાનક ત્રાટકેલા નરભક્ષી દીપડાએ તેના પર કાળ બનીને એવો લોહિયાળ હુમલો કર્યો કે બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. માસૂમ નિત્યકુમારના આકસ્મિક અને ક્રૂર મોતથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ભયાનક ઘટનાના પગલે સમગ્ર પંથકના લોકોમાં અને ખાસ કરીને વન વિભાગ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામડાઓમાં સતત વધી રહેલા વન્ય પ્રાણીઓના આતંક અંગે વાઈલ્ડ લાઈફ વિભાગ તેમજ નોર્મલ રેન્જ સહિત વન વિભાગના અધિકારીઓને
વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. પરિણામે નિર્દોષ માસૂમો વન્ય પ્રાણીઓનો ભોગ બની રહ્યા છે. વન વિભાગ માત્ર લાશોના પંચનામા કરવા જ બેઠું હોય તેવો રોષ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
મહુવા પંથક હવે સામાન્ય નાગરિકો માટે ‘ડેથ ઝોન’ બની ચૂક્યું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે, કારણ કે છેલ્લા માત્ર બે જ મહિનામાં વન્યપ્રાણીઓએ ત્રીજી માસૂમ જિંદગીનો ભોગ લીધો છે. આ પૂર્વે કંટાસર ગામના વાડી વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી દિવ્યાબા જ્યારે રમી રહી હતી, ત્યારે દીપડાએ તેને ફાડી ખાધી હતી જેમાં તેનું મોત થયું હતું. ત્યારબાદ મહુવા તાલુકાના ગઢડા ગામે નાગજીભાઈ ગુજરીયા નામનો યુવક બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે વાડી વિસ્તાર નજીક બાઈક બંધ પડી જતાં તેને દોરીને જઈ રહેલા યુવક પર અચાનક સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું પણ કરૂણ મોત નીપજ્યું હતું.
હવે બાંભણિયા ગામના 10 વર્ષના નિત્યકુમારનો દીપડાએ શિકાર કરતાં વન્ય પ્રાણીઓના હુમલાને કારણે મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો એવો માહોલ સર્જાયો છે કે ખેડૂતો અને શ્રમિકો દિવસના ભાગે પણ ખેતરે જતાં ફફડી રહ્યા છે. જાણે આખો પંથક વન્ય પ્રાણીઓના બાનમાં હોય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામજનો હવે આ હિંસક દીપડાને પાંજરે પૂરવા અને આવી ઘટનાઓ અટકાવવા માટે વન વિભાગ પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
