અમદાવાદના શખ્સ પાસેથી જથ્થો લાવ્યાની કબુલાત
ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલા તબેલા કેમ્પમાં પોલીસે બાતમીના આધારે એક મકાન પર દરોડો પાડી નશાકારક કોડાઈન ફોસ્ફોટ ઘટક ધરાવતી કફ સિરપની બોટલો સાથે એક શખસની અટકાયત કરી પૂછપરછ માં આ જ થ્થો અમદાવાદના એક શખસ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું ખૂલતાં પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ કરી છે. ભાવનગરના નવાપરા ખાતે રહેતો હનીફ સતારભાઈ શાહ પોતાના મકાનમાં કફ સિરપની બોટલો રાખી તેનો નશો કરવા તેમજ વેચાણ કરવા માટે ઉપયોગ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સરકારી પંચોને સાથે રાખીને મકાનમાં દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન રૂમમાંથી પ્લાસ્ટિકના કોથળામાં છુપાવી રાખેલી 4,752ની કિંમતની 30 બોટલો અને 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.પકડાયેલા આરોપી હનીફની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, આ નશાકારક કફ સિરપનો જથ્થો તે આશરે એક મહિના પહેલાં ફાઈક ઉર્ફે જોન મૌલાના વહાબભાઈ કુરેશી પાસેથી અમદાવાદથી લાવ્યો હતો, જે મૂળ ભાવનગરની લીમડીવાળી સડકનો વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે.આ સમગ્ર મામલે નિલમબાગ પોલીસે હનીફ સતારભાઈ શાહ અને ફાઈક ઉર્ફે જોન કુરેશી સામે ગુનો નોંધીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
