ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા કોમ્બિંગ

સંવેદનશીલ રૂટ પર 200 જવાનો દ્વારા ચેકીંગ

ભાવનગરમાં આગામી 16 જુલાઈના રોજ યોજાનારી 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે ભાવનગર પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા સુરક્ષા પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રેન્જ આઈજીપી અને એસપી નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ મોડી રાત્રે રથયાત્રાના 2 કિલોમીટર જેટલા અતિ સંવેદનશીલ રૂટ પર એક વિશાળ મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સમગ્ર કામગીરીને સુવ્યવસ્થિત રીતે અંજામ આપવા માટે પોલીસ દ્વારા 5 વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી, જેમાં 20 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને 200થી વધુ પોલીસ જવાનો સઘન ચેકિંગમાં જોડાયા હતા. આ ઓપરેશન અંગે માહિતી આપતા ડી.વાય.એસ.પી.એ જણાવ્યું હતું કે, કોમ્બિંગ ઓપરેશન દરમિયાન વિસ્તારના જાણીતા અસામાજિક તત્વો અને બુટલેગરોના ઘરોમાં કાયદાકીય રીતે સઘન તલાશી લેવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક ઘરોમાંથી છરી જેવા ઘાતક હથિયારો મળી આવ્યા છે, જેને પગલે સંબંધિત શખ્સો સામે કાયદેસરના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે રૂટ પર આવેલી બહુમાળી ઈમારતો પર જઈને ’ધાબા પોઈન્ટ’નું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ મોડી રાત્રે વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરીને સ્થાનિકોમાં સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે શહેરમાં ખાસ ચેકપોસ્ટ ઉભી કરાશે તેમજ વિવિધ વિસ્તારોમાં શાંતિ સમિતિ અને મોહલ્લા મીટીંગોનું પણ આયોજન કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ