વૃધ્ધ દંપતિ સહિત 20 જેટલા રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી હતી
શેરબજારમાં રોકાણના હેતુસર વિદેશમાં રહેતા વૃદ્ધને અમદાવાદની એક મહિલાએ ઊંચા વળતરની લાલચ આપી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ નિયત મુદતે નાણાં પરત ન આપી રૂ. 4.72 કરોડની છેતરપિંડી આચરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે મહિલા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશમાં રહી ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 75 વર્ષીય કૌશિકભાઈ મનુભાઈ પટેલે અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી નિકિતા વિશાલકુમાર વ્યાસ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત મે-જુલાઈ 2025 દરમિયાન નિકિતા વ્યાસે તેઓના ઘરે આવીને પોતે નામનું પ્લેટફોર્મ ચલાવતી હોવાનું જણાવ્યું હતું. તેણે રોકાણકારોના નાણાં ક્ધવર્ટ કરી આપી મોટો નફો આપવાની લોભામણી યોજનાઓ રજૂ કરી હતી તથા વોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને નફાના સ્ક્રીનશોટ દર્શાવી વિશ્વાસ કેળવ્યો હતો.
આ લોભામણી સ્કીમમાં આવીને કૌશિકભાઈ તથા તેમના પત્નીએ અલગ-અલગ સ્કીમમાં કુલ રૂ. 1,08,00,000 નું રોકાણ કર્યું હતું. ત્યારબાદ મહિલાએ વિવિધ સ્કીમોના બહાને તેમના સગા-સંબંધીઓ અને મિત્રો સહિત 20 જેટલા રોકાણકારો પાસેથી આશરે રૂ. 4.72 કરોડથી વધુ રકમનું રોકાણ કરાવ્યું હતું.
રોકાણની મુદત પૂરી થતાં જ્યારે રોકાણકારોએ પોતાના નાણાં કે વળતર પરત માગ્યું, ત્યારે મહિલાએ આડાઅવળા જવાબો આપવાનું શરૂ કર્યું હતું અને ક્રિપ્ટો કોઈન ડાઉન થઈ ગયાનું બહાનું બતાવી પોતાના ફોન બંધ કરી દીધા હતા. આ છેતરપિંડી અંગે રોકાણકારો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે નિકિતા વિશાલકુમાર વ્યાસ સામે ઇગજ ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોના કરોડો રૂપિયા મેળવી પરત ન આપવાના આ પ્રકરણમાં પોલીસે આરોપી મહિલા નિકિતા વ્યાસની અટકાયત કરી કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
