ભાવનગર: મંદિરોમાં ચોરી કરનાર આંતરજિલ્લા ટોળકી ઝડપાઈ

રૂ.7.60 લાખની ચાંદીના ચોસલા સહિતનો મુદ્દામાલ ઘોઘા પોલીસે કબ્જે કર્યો

ભાવનગર અને અમરેલી જિલ્લાના વિવિધ મંદિરો તથા માતાજીના મઢોમાં ચોરી કરતી આંતરજિલ્લા ધાર્મિક સ્થાન ચોરીની ટોળકીને ઘોઘા પોલીસે ઝડપી લીધી છે.ઘોઘા તાલુકાના ઓદરકા ગામે આવેલ સુપ્રસિદ્ધ ધોળીયા હનુમાનજી મંદિર ખાતેથી ચોરી થયેલા ચાંદીના છત્તરો અને ગદાને ઓગાળીને બનાવેલા રૂ. 7,60,000 ની કિંમતના ચાંદીના ચોસલા (વજન 3 કિલો 798.5 ગ્રામ) સહિત કુલ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
મળતી વિગતો મુજબ ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમના માર્ગદર્શન હેઠળ મંદિર ચોરીના ગુનાઓ ઉકેલવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા આંતરજિલ્લા મંદિર ચોરી આચરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી, જેમણે પૂછપરછમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના 26 જેટલા મંદિરો અને મઢોમાંથી ચાંદીના છત્તરો તથા દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
ઓળખ છુપાવવા ચાંદી
ઓગાળી ચોસલા બનાવી દીધા
પોલીસે આરોપીઓનો કબ્જો મેળવી સઘન પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ ઓદરકાના ધોળીયા હનુમાનજી મંદિરથી ચોરેલા નાના-મોટા ચાંદીના છત્તરો અને ચાંદીથી મઢેલી ગદાની ઓળખ ન થાય તે માટે તેને ઓગાળીને ચાંદીના ચોસલા બનાવી દીધા હતા. જોકે, ઘોઘા પોલીસની ઝીણવટભરી તપાસના અંતે આ ઓગાળેલી ચાંદી શોધી કાઢી કાયદેસર રીતે કબ્જે કરવામાં આવી છે.
પોલીસે ચાંદીના ઓગાળેલા ચોસલા (3 કિ.ગ્રા. 798.5 ગ્રામ) – કિંમત રૂ. 7,60,000/-, રોકડ રકમ – રૂ. 5,20,000/-, ટુ-વ્હીલર મોટરસાયકલ – કિંમત રૂ. 60,000/-, મોબાઇલ ફોન (નંગ-4) – કિંમત રૂ. 55,000/ ચોરીમાં વપરાયેલા કટર અને આરીપા સહિતનો મુદ્દામાલ કબજે કરેલ છે.
ઝડપાયેલ આરોપીઓમાં મેહુલભાઇ ગણેશભાઇ મકવાણા (રહે. ભાંખલ, તા. શિહોર, જી. ભાવનગર),અશ્વિનભાઇ અશોકભાઇ મકવાણા (રહે. ભાંખલ, તા. શિહોર, જી. ભાવનગર)ભરતભાઇ વજેરામભાઇ જાની (રહે. ભાંખલ, તા. શિહોર, જી. ભાવનગર)અને પ્રત્યક્ષભાઇ હસમુખભાઇ પાટડીયા (હાલ રહે. મણિનગર, અમદાવાદ / મૂળ રહે. અંજાર, જી. કચ્છ) નો સમાવેશ થાય છે.
આ સમગ્ર સફળ કામગીરી ઘોઘા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એમ.એન. ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલ, ઓઢાભાઇ મોભ, અરવિંદસિંહ સરવૈયા અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ વાઢેર, અનિલભાઈ મકવાણા તથા અલ્પેશભાઇ ગલસરની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય ચોરીઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ