ભાવનગરના નાના સુરકા ખાતે ‘સહકારી સશક્તિકરણ’ કાર્યક્રમ યોજાયો

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના નાના સુરકા ગામે કૃભકો સંસ્થા તથા નાના સુરકા સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને “સહકારી સશક્તિકરણ” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રને નવા વ્યવસાયિક અવસરો ઉપલબ્ધ થયા છે. શિહોર માર્કેટિંગ યાર્ડ અંગે તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં નવા ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે અને રાજ્ય સરકારના સહયોગથી આધુનિક સુવિધાઓથી સજ્જ, ખેડૂતોને વધુ લાભદાયી બને તેવું યાર્ડ વિકસાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
પ્રાકૃતિક ખેતી અંગે ભાર મૂકતાં મંત્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકથી જમીનની ઉત્પાદકતા, પર્યાવરણ અને માનવ આરોગ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. ગુજરાતમાં દરરોજ કેન્સરના નવા કેસોમાં વધારો થતો હોવાનું ઉદાહરણ આપતાં તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ