ભાવનગર : 32 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો સીકલીગર ગેંગના 3 સાગરીતો ઝડપાયા


પોલીસે રૂ. 11.28 લાખથી વધુનો દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભાવનગર શહેરના મારૂતી શો-રૂમ પાસે આવેલ માનસરોવર સોસાયટી ખાતે સ્થિત એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી આચરનાર કુખ્યાત સીકલીગર ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા છે . પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 11,28,900/- ની કિંમતનો ચોરાઉ મુદ્દામાલ રીકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, ભાવનગર શહેરના માનસરોવર સોસાયટી ખાતે રહેતા ફરિયાદી યોગેશકુમાર રામબાબુ મિત્તલ પોતાના ઘરે પરત ફરતા મકાનમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ઘરના કબાટ તથા સામાનની ખરાઈ કરતા સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડા રૂ. 5,000/- મળી કુલ્લે રૂ. 32,20,641/- ની કિંમતી મિલકતની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અંસારી તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય અને નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલ દ્વારા મિલકત સંબંધી અનડીટેક્ટ ગુનાઓ તાત્કાલિક શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને બોરતળાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.સી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ચોરીનો ભેદ ઉકેલવા ચક્ર ગતિમાન કર્યા હતા.
તપાસ દરમિયાન પોલીસે વડોદરાની સીકલીગર ગેંગના ત્રણ આરોપીઓ – (1) અજયસીંગ બીરસિંહ સીકલીગર/ટાંક (ઉ.વ. 28, રહે. વડોદરા), (2) અમરસિંહ ઉર્ફે પપ્પે લોહરસિંહ બાવરી/સીકલીગર (ઉ.વ. 24, રહે. વડોદરા) અને (3) કબીરસિંહ ઉર્ફે સોબ્બા સતનામસિંહ બાવરી/સીકલીગર (ઉ.વ. 26, રહે. વડોદરા) ની ધરપકડ કરી હતી.
આરોપીઓની સઘન પૂછપરછ બાદ તેમની પાસેથી સોના-ચાંદીના વિવિધ દાગીનાઓ જેવા કે સોનાનો હાર, બંગડી, ચેઇન, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડન્ટ, વીંટીઓ તથા રોકડા રૂ. 40,000/- મળી કુલ રૂ. 11,28,900/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં બોરતળાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. વી.સી.જાડેજા, પો.સબ ઇન્સ. એમ.આર.રાજપરા તથા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સહિત સમગ્ર ટીમ જોડાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ