મોઢામાં પેટ્રોલ ભરી કાંકડો સળગાવી ધમાલ નૃત્યની પ્રેકિટ્સ વખતે બાળક દાઝ્યાનું પોલીસનું તારણ
તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતા દશ વર્ષિય સિદી આદિવાસી બાળક મોઢામાં પેટ્રોલ ભરી કાંકડો સળગાવી ધમાલ નૃત્ય ની પ્રેક્ટિસ વખતે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે તાલાલા પોલીસમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતો મુજાહીદ બગસભાઈ સાયલી ઉ.વ.10 સહિત ચાર બાળકો શનિવારે સાંજે 7 થી 8 વાગ્યાના અરસામાં સિદી આદિવાસી ધમાલ નૃત્યની પ્રેક્ટિસ કરતા હતા.મુજાહીદ મોઢામાં પેટ્રોલ ભરી કાંકડો સળગાવી ધમાલ ની પ્રેક્ટિસ કરતો હતો તે દરમ્યાન ભડકો થતાં આગ લાગી હતી.આગ લાગતાં બાળકની ચીસો સાંભળી આસપાસના રહીશો દોડી આવી આગ બુઝાવી બાળકને તુરંત સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલે દાખલ કર્યો હતો.ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી જુનાગઢ રીફર કર્યા હતા પરંતુ બાળકની સ્થિતિ ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.મુજાહીદ બે ભાઈ અને બે બહેનોમાં નાનો ભાઈ છે..આ બનાવ અંગે ટાઉન જમાદાર જગદીશભાઈ ડોડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
નરસિંહ ટેકરી વિસ્તારમાં મુજાહીદ સહિત ચાર બાળકો પકડમપટી રમતા હતા.રમતી વખતે માથાકુટ થતાં મુજાહીદ ને સળગાવી દીધાનો માતા હિનાબેને રાજકોટ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો છે.
