લઠ્ઠાકાંડ: ભાવનગરમાં એએસપી સ્કવોડના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડથી ફફડાટ

ફોન કોલ ડિટેઇલ રેકોડર્સમાં પોલીસ કર્મચારીની સંડોવણી ખુલી: અન્ય પોલીસ કર્મીની સંડોવણીની તપાસ થશે

ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બનેલા નકલી દારૂકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ) દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોંકાવનારી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી જખઈ ની ટીમે ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની અજઙ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગજુભા ગોહિલની વિધિવત ધરપકડ કરી લેતા સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ગુજરાત સરકાર દ્વારા આ ચર્ચિત કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવ્યા બાદ, જખઈના વડા ગગનદીપ ગંભીરના સીધા માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી જખઈની અલગ-અલગ ટીમો દ્વારા ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ સિવાય સ્થાનિક કક્ષાએ બુટલેગરો સાથે આડકતરી રીતે સંકળાયેલા શંકાસ્પદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ભૂમિકા અંગે પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી હતી. જખઈની ટેકનિકલ ટીમે આ કેસના મુખ્ય આરોપીઓ અને શંકાસ્પદ વ્યક્તિઓના મોબાઈલ ફોનના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (ઈઉછ)નું ઝીણવટભર્યું વિશ્લેષણ હાથ ધર્યું હતું.
ટેકનિકલ તપાસ અને ઈઉછ વિશ્લેષણ દરમિયાન એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ભાવનગર ગ્રામ્યના મદદનીશ પોલીસ અધીક્ષક (અજઙ) ની કચેરીમાં બજવણી કરતા કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ, દારૂકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે સતત સંપર્કમાં હોવાનું અને તેમની વચ્ચે અવારનવાર ટેલિફોનિક વાતચીત થઈ હોવાના મજબૂત પુરાવા મળી આવ્યા હતા. કાયદાના રક્ષક જ ભક્ષક બનીને ગુનાના મુખ્ય સૂત્રધાર સાથે સંપર્કમાં હોવાની કડી સ્પષ્ટ થતાં જ જખઈ એ કોઈ પણ શેહશરમ રાખ્યા વિના કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નકલી દારૂકાંડની તપાસમાં અત્યાર સુધીમાં જખઈ દ્વારા મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત કુલ 38 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પરંતુ, ખુદ પોલીસ કર્મચારીની જ આ કાંડમાં સંડોવણી સામે આવતા અને તેની અટકાયત થતાં પોલીસ બેડામાં ભારે સન્નાટો અને ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જખઈ ની તપાસ હજુ પૂર્ણ થઈ નથી. જિલ્લામાં બુટલેગરો અને અસામાજિક તત્વો સાથે સાઠગાંઠ કે ઘરોબો ધરાવતા અન્ય અસામાજિક પોલીસ કર્મચારીઓના નામો પણ આગામી દિવસોમાં ખુલે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે અન્ય શંકાસ્પદ પોલીસ કર્મચારીઓ પર પણ કાયદાકીય તલવાર લટકી રહી છે.
લઠ્ઠાકાંડ કેસમાં ધરપકડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગજુભા ગોહીલને કોર્ટમાં રજુ કરાયો હતો. કોર્ટે આરોપીના તા.11 સુધી એટલે કે 10 દિવસના રિમાંડ મંજુર કર્યા છે. રિમાંડ દરમિયાન અન્ય કેટલા પોલીસકર્મીની સંડોવણી છે તેની તપાસ હાથ ધરાશે.

રિલેટેડ ન્યૂઝ