બે શખ્સોને ઝડપી લેવાયા: સઘન પૂછપરછ
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક તત્વો પર લગામ કસવાના હેતુથી જિલ્લા પોલીસ વડાની ખાસ સુચના આધારિત યોજાયેલી કોમ્બિંગ નાઈટ દરમિયાન એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. કુંભારવાડાના માઢિયા રોડ પર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન પૂરપાટ ઝડપે કાર લઈને ભાગેલા શખ્સોનો પીછો કરનાર બોરતળાવ પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓ પર કાર ચઢાવી મારી નાંખવાનો જીવલેણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને નાસી છૂટેલા બંને આરોપીઓને સ્થળ પરથી જ દબોચી લઈ ગુનો દાખલ કર્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રિના સુમારે એસ.પી.ની ખાસ સૂચનાથી ભાવનગર શહેરભરમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ નાઈટ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલીંગ અને ચેકિંગમાં હતો. કુંભારવાડાના મોતીતળાવ રોડ તરફથી આવી રહેલી એક શંકાસ્પદ સફેદ રંગની સ્વિફ્ટ કાર (નંબર: ૠઉં 04 ઉગ 1972)ને પોલીસે રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ, કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પુરપાટ ઝડપે આગળ હંકારી મૂકી હતી. પોલીસ ટીમમાં સામેલ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ ટેમુભા અને હારિતસિંહ શત્રુઘ્નસિંહે ત્વરિત કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. કાર કુંભારવાડા, માઢિયા રોડ પર આવેલી શેરી નંબર 19ના નાકે પહોંચતા જ આરોપીઓએ પોલીસ કર્મચારીઓ પર કાર ચઢાવી દઈ તેમને કચડી નાંખવાનો નાપાક પ્રયાસ કર્યો હતો. આટલેથી ન અટકતા, કારચાલકે ગાડી રિવર્સમાં લીધી હતી અને “હું ભાગું છું, તો પણ મારો પીછો કરો છો? આજે તો તમને પૂરા કરી નાંખવા છે” તેમ મોટેથી બૂમો પાડી ફરીથી પોલીસ કર્મચારીઓને મારી નાંખવાના ઈરાદે કાર ચઢાવવાની નાકામ કોશિશ કરી હતી. ઘટના બાદ બંને શખ્સો વાહન મૂકીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ સજાગ બનેલી પોલીસે તાત્કાલિક દોડી જઈને બંનેને ઘેરી લીધા હતા. ઝબ્બે કરાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમની ઓળખ રાકેશ ઉર્ફે ભાલી ગગજીભાઈ મકવાણા (રહે. ખાર વિસ્તાર, મહમદી મસ્જિદ પાસે, કુંભારવાડા) અને રાકેશ ઉર્ફે કુંભાર રાજુભાઈ સરવૈયા (રહે. માઢિયા રોડ, શેરી નં.1, આંબેડકરનગર-1, કુંભારવાડા) તરીકે થઈ હતી. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી લોકઅપ હવાલે કર્યા છે. આ સમગ્ર હુમલા અને સરકારી કર્મચારી પર જાનલેવા પ્રયાસ અંગે પો.કો. જયદીપસિંહ ટેમુભાઈની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસ મથકમાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની કલમ 109 (1) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.કે.ચોસલા દ્વારા ચલાવવામાં આવી રહી છે.
