2 શખ્સો સામે પોલીસ ફરિયાદ ભાવનગરના માંડવી ગામે પ્લોટ વિવાદમાં જેસીબી ફેરવી દીવાલ 5ાડી દેવાઈ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે પ્લોટના માલિકી હક્ક અને વિવાદને લઈને એક ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્લોટ ખાલી કરાવવાના ઈરાદે ઉગ્ર વિવાદ ઊભો કરી રાત્રિના સમયે જેસીબી વડે પાકી દીવાલ તોડી પાડી ભારે આર્થિક નુકસાન પહોંચાડવા તેમજ પ્લોટના માલિકને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ માંડવી ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થઈ વેપાર-ધંધો કરતા કમલેશભાઈ ડાયાભાઈ પાલડીયાનો માંડવી ગામે 334.45 ચોરસ મીટરની ક્ષેત્રફળ ધરાવતો ગામતળનો પ્લોટ આવેલો છે. આ પ્લોટની અડીને જ આવેલ બાજુના પ્લોટના માલિક કલ્યાણ કરમશીભાઈ બેલડીયા દ્વારા કમલેશભાઈ પર પોતાનો પ્લોટ તેમને વેચી દેવા માટે અવારનવાર અયોગ્ય દબાણ કરવામાં આવતું હતું. કમલેશભાઈ પ્લોટ વેચવા તૈયાર ન હોવાથી બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
પોતાના પ્લોટની સુરક્ષા અને માલિકીની જાળવણી માટે કમલેશભાઈએ પ્લોટની ત્રણેય બાજુએ પાકી દીવાલ ચણાવી લીધી હતી અને પ્લોટ પર નજર રાખવા માટે સુરત બેઠા-બેઠા જ મોબાઈલ પર મોનિટરિંગ થઈ શકે તે મુજબનું લાઈવ સીસીટીવી કેમેરાનું સેટઅપ ગોઠવ્યું હતું.
દરમિયાન, ગત તારીખ 20 ઓગસ્ટના રોજ રાત્રિના આશરે 8:15 વાગ્યાના સુમારે કમલેશભાઈ સુરતથી પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવીનું લાઈવ ફૂટેજ જોઈ રહ્યા હતા ત્યારે પ્લોટ પર ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી નજરે પડી હતી. કલ્યાણ બેલડીયા તથા ગોરખ નાનુભાઈ ડેર નામના બંને શખ્સો જેસીબી મશીન લઈને આવ્યા હતા અને પ્લોટની ત્રણેય બાજુ ચણેલી પાકી દીવાલને જેસીબીના પંજા વડે તોડી પાડી ભારે નુકસાન પહોંચાડી રહ્યા હતા.
આ ઉપરાંત, આરોપી ગોરખ ડેરે છેલ્લા બે મહિનાના સમયગાળા દરમિયાન આ પ્લોટની બાબતે કમલેશભાઈને અવારનવાર ફોન કરી અથવા રૂબરૂમાં 2 થી 3 વખત જાનથી મારી નાખવાની સીધી ધમકીઓ પણ આપી હતી. સીસીટીવી ફૂટેજ આધારિત આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ કમલેશભાઈ પાલડીયાએ ગારીયાધાર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી બંને આરોપીઓ સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ