ભાવનગરશહેરમાં પ્રતિબંધિત અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ, પ્લાસ્ટિક કચરાના કાર્યક્ષમ વ્યવસ્થાપન તથા પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુસર ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી દ્વારા ભારતમાં સૌપ્રથમવાર ‘કચરામાંથી કંચન – ઇકો બ્રિક્સ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવતર પ્રયોગને શહેરના નાગરિકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આ અભિયાન અંતર્ગત ઘરો, વેપારી સંસ્થાઓ તથા વિવિધ વિસ્તારોમાંથી સામાન્ય રીતે કચરામાં ફેંકાઈ જતા પ્રતિબંધિત અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકને એકત્રિત કરી તેનો ઉપયોગ ‘ઇકો બ્રિક્સ’ બનાવવા માટે કરવામાં આવશે. સામાન્ય રીતે પ્લાસ્ટિક કચરો જાહેર સ્થળો, રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ કે ગટરોમાં ફેંકાવાને કારણે પર્યાવરણ અને ભૂગર્ભ જળનિકાલ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડે છે. આ મુશ્કેલી નિવારવા માટે નાગરિકોને કચરો ખુલ્લામાં ફેંકવાને બદલે તેને વ્યવસ્થિત રીતે એકત્રિત કરવા પ્રોત્સાહિત કરવાનો આ પહેલનો મુખ્ય આશય છે.
ઇકો બ્રિક્સ બનાવવાની સરળ પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવાયું છે કે, નાગરિકોએ 1 લિટરની વપરાયેલી પ્લાસ્ટિક બોટલમાં ઘરમાંથી નીકળતો પ્લાસ્ટિક કચરો મજબૂત રીતે ભરીને પેક કરવાનો રહેશે. આ રીતે તૈયાર થયેલી ઇકો બ્રિક્સ બોટલ નાગરિકો પોતાની નજીકની સંબંધિત વોર્ડ કચેરી ખાતે જમા કરાવી શકશે. આ અભિયાનમાં વધુને વધુ લોકો સક્રિય રીતે જોડાય તે માટે વિશેષ પ્રોત્સાહક યોજના પણ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત પોતાના વોર્ડની વોર્ડ ઓફિસમાં 30 ઇકો બ્રિક્સ બોટલ જમા કરાવનાર નાગરિકને પ્રોત્સાહનરૂપે રૂ. 100નું વળતર આપવામાં આવશે.
અભિયાન અંગે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આ પ્રકારની પહેલ પ્રથમ વખત હાથ ધરવામાં આવી છે. પ્લાસ્ટિક કચરાની ગંભીર સમસ્યાનો ઉકેલ માત્ર સરકારી કે મહાનગરપાલિકા તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સક્રિય ભાગીદારીથી જ તે શક્ય બની શકે છે. જો દરેક નાગરિક પોતાના ઘરમાંથી જ પ્લાસ્ટિકને અલગ કરી તેનો યોગ્ય નિકાલ કરે તો સ્વચ્છતા અને પર્યાવરણ બંનેનું રક્ષણ થઈ શકે છે. તેમણે ‘કચરામાંથી કંચન’ની આ પહેલમાં શહેરીજનોને ઉત્સાહભેર જોડાઈને પોતાના વિસ્તારમાંથી વધુમાં વધુ ઇકો બ્રિક્સ તૈયાર કરી વોર્ડ કચેરી ખાતે જમા કરાવવા હાર્દિક અપીલ કરી છે.
