ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

43 દિવસથી પોલીસને ચકમો આપતા શખ્સને રાજસ્થાન એટીએસની મદદથી દબોચી લેવાયો : 8મી સુધી રિમાન્ડ પર

ભાવનગર જિલ્લામાં દોઢેક માસ પહેલાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચકચારી ઘટનાનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસ પાંજરે પૂરાયો છે. રાજસ્થાન એટીએસની મદદથી એસએમસીએ રાજસ્થાની શખ્સને દબોચી લઈ 8 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
ભાવનગરમાં ગત ઓગસ્ટ માસના બીજા પખવાડિયામાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂ પીવાથી લોકોના ટપોટપ મોત થવા લાગ્યા હતા. ઘણાં લોકોને ઝેરી દારૂની અસર થતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હોઈ, પ્રારંભમાં હળવાશથી લેનારી પોલીસ સફાળી જાગી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સહિત 21 શખ્સો સામે વરતેજ પોલીસમાં ગુનો રજિસ્ટર કર્યો હતો.
બીજી તરફ લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા ડીજીપી જી.એસ.મલિકે ગુનાની તપાસ સ્ટેટ મોનિટીરંગ સેલને સોંપતા પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ આદરી એક પછી એક 41 શખ્સોને ઉઠાવી લઈ તપાસનો દૌર અન્ય રાજ્યો સુધી લંબાવ્યો હતો. ઝડપાયેલા શખ્સોની પૂછતાછમાં રાજસ્થાનનો લાડુ લાલ ઉર્ફે ગણેશ શ્યામલાલ બારોલ (ઉ.વ.22, રહે, મહેન્દ્રગઢ ગામ, થાણા કારોઈ, તા.સહાડા, જી.ભીલવાડા, રાજસ્થાન) નામના શખ્સની સંડોવણી પણ બહાર આવી હતી. આ શખ્સ મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે સંપર્કમાં રહી શોર્ટકટથી પૈસા કમાવાની લાલચમાં ગૌતમના ઘરે દારૂ બનાવવાનું નક્કી કરી, નકલી દારૂ (લઠ્ઠો) બનાવવા, પેકીંગ કરવા માટેની જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. બાદમાં લઠ્ઠાકાંડ સર્જાતા નકલી ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થતું હોવાની જાણ થતાં શખ્સ ગુજરાત છોડી નાસી ગયો હતો.
આ શખ્સ પણ મુખ્ય સૂત્રધાર હોય, પોલીસે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરી આખરે 43 જેટલા દિવસની શોધખોળના અંતે રાજસ્થાન એટીએસની મદદ લઈ ગઈકાલે તેની ધરપકડ કરી લીધી હતી અને કોર્ટમાં રજૂ કરી તા. 8-10 સુધીના રિમાન્ડ મેળવ્યા છે. લઠ્ઠાકાંડના બનાવ બાદ ગુજરાત છોડી ભાગતા પહેલા રાજસ્થાનના લાડુ લાલ ઉર્ફે ગણેશ બારોલે તેના શૈતાની દિમાગનો ઉપયોગ કરી પોલીસને કોઈ પુરાવા ન મળે તે માટે અન્ય આરોપીઓનો સંપર્ક કરી મોબાઈલ ફોન અને અન્ય પુરાવા નાશ કરવા કહ્યું હતું.
લાડુ લાલ ઉર્ફે ગણેશ બારોલ પણ ગૌતમ સોલંકીના પાપનો પૂરો ભાગીદાર છે. ઝેરી દારૂ બનાવી તેના પેકીંગ માટે ઉપયોગમાં લેવાતા પૂંઠા, કાચની ખાલી બોટલો, ઢાંકણા, સ્ટીકર વગેરે મટીરિયલ્સને અલગ-અલગ જગ્યાએથી ભેગું કરી લાડુ જ ભાવનગર મોકલતો હતો. આ શખ્સે ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલ યુક્ત ઝેરી દારૂ બનાવવાનું નક્કી કર્યું હોવાનું એસએમસીની તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

આરોપીઓનો આંકડો 42એ પહોંચ્યો
મિથેનોલ યુક્ત ઝેરી દારૂ બનાવી લોકોને મોતના મુખમાં ધકેલી દેનારા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના 43 દિવસમાં પોલીસ કર્મચારી, માસ્ટર માઇન્ડ સહિત આરોપીઓનો આંકડો 42એ પહોંચ્યો છે. એસએમસી (સ્ટેટ મોનિટીરીંગ સેલ)ની ટીમને હજુ તપાસની ફાઈલને બંધ કરી રજિસ્ટ્રે ચડાવવામાં રસ ન હોય, આગામી દિવસોમાં આરોપીઓનો આંકડો હજુ વધશે.

રિલેટેડ ન્યૂઝ