ભાવનગર નજીક આવેલા ઉખરલા-માળનાથ રોડ પરથી પ્લમ્બિંગનું કામ કરતા 29 વર્ષીય યુવકની માથા અને છાતીના ભાગે બોથડ તથા ધાતક હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રથમ દૃષ્ટિએ પોલીસને આ બનાવ અકસ્માતનો જણાયો હતો, પરંતુ મૃતદેહ પર ઇજાના ગંભીર નિશાન મળી આવતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે ગુનામાં હત્યાની કલમ ઉમેરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની વિગતો અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના ખડસલીયા ગામના વતની અને હાલ ભાવનગરના ચિત્રા રોડ સ્થિત શિવપાર્ક-3 ખાતે રહેતા મુશાભાઈ હિંમતભાઈ ડાભી (ઉ.વ. 29) પ્લમ્બિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તા. 24/10/2026ના રોજ બપોરે તેઓ કામ સમજાવીને નીકળ્યા બાદ રાત્રે ઘર પરત ફર્યા નહોતા અને તેમનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા.
દરમિયાન, તા. 25/10/2026ના સવારે પરિવારજનોને મુશાભાઈનું ઉખરલા ગામ પાસે અકસ્માત થયું હોવાની માહિતી મળી હતી. આથી પરિવારજનો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઉખરલા-માળનાથ રોડ પર પહોંચતા 112 પોલીસ વાનની હાજરી વચ્ચે રોડથી નીચે ઢાળમાંથી મુશાભાઈ લોહીલુહાણ સ્થિતિમાં મૃત મળી આવ્યા હતા. બનાવના સ્થળે તપાસ કરતા થોડે દૂરથી મૃતકનો લોહીવાળો શર્ટ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી પી.એમ. અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે મૃતકના મોટાભાઈ દીપકભાઈ હિંમતભાઈ ડાભીની ફરિયાદના આધારે વરતેજ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 103(1) (હત્યા) હેઠળ ગુનો નોંધી પી.આઈ. એચ.કે. સોલંકીએ આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
