બેટ દ્વારકામાં રીક્ષા પલટી જતા યાત્રીકોને ઈજા પહોેંચી
કલ્યાણપુર ગાંધવી ગામે તળાવમાં મોરમ ભરવા ગયેલા યુવાન પર ભેખડ ઘસી પડતા તેનું મોત નીપજ્યું છે. જ્યારે બેટ દ્વારકામાં રીક્ષા પલટી જતા અમદાવાદના યાત્રાળુઓને ઈજા પહોંચી છે.
કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા રામભાઈ લાખણશીભાઈ કારાવદરા નામના 30 વર્ષના યુવાન શનિવારે ગાંધવી ગામે આવેલા રાતુ તળાવમાં માટી મોરમ ભરવા ગયા હતા. ત્યારે તેમના ટ્રેક્ટર પર મોટી ભેખડ ધસી પડતા આ ભેખડ હેઠળ દબાઈ જવાના કારણે તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ભરતભાઈ ભીમાભાઈ કારાવદરાએ સ્થાનિક પોલીસને કરી છે.
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાનદાંડી રોડ પર જી.જે. 32 જી.યુ. 0515 નંબરની એક રીક્ષા ભાડે રાખીને હનુમાન દાંડી મંદિરે દર્શન કરીને પરત આવી રહેલા તુષારભાઈ અનિલભાઈ પ્રભુણે (ઉ.વ. 49, રહે. સેટેલાઈટ રોડ, અમદાવાદ) તથા તેમના પરિવારજનોની આ રીક્ષા સાથે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ક્યુ 9514 નંબરના એક મોટરસાયકલના ચાલકે સામેથી ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે રીક્ષા પલટી ખાઈ જવા પામી હતી.
આ અકસ્માતમાં તુષારભાઈ, તેમની દીકરી અંતરા અને સ્વરા વિગેરેને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને મોટરસાયકલ ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ અંગે બેટ દ્વારકા પોલીસે મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
