ભારે પવનના કારણે ઓખા – બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સેવા બંધ

પવનની ગતિ વધવાની આગાહી: માછીમારોને દરિયો ન ખેડવા સુચના

જામ ખંભાળિયા, તા.25
યાત્રાધામ બેટ દ્વારકાએ ટાપુ સ્વરૂપે હોય, અહીં આવન-જાવન માટે હાલ એકમાત્ર ફેરીબોટ સેવા ઉપલબ્ધ છે. હાલના વેકેશનના સમયગાળામાં જ્યારે યાત્રીકોની ચિક્કાર ભીડ જોવા મળી રહી છે, ત્યારે આજરોજ ભારે પવનને લીધે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મુસાફરોની સલામતી માટે ઓખા – બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સુવિધા બંધ કરવામાં આવી હતી. પવનનું જોર હળવું થયે પુન: ફેરીબોટ સુવિધા ચાલુ કરવામાં આવનાર છે.
આગામી તા. 27 મે સુધી પવનની ઝડપ 45 થી 55 કિ.મી. થવાની તેમજ તીવ્ર પવન ફૂંકાવાની સંભાવના હવામાન ખાતાએ આગાહી જાહેર કરાઈ છે. તેથી દ્વારકા જિલ્લાના તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રોના તમામ બોટ માલિક, પગડીયા માછીમારોને આગાહી ધ્યાને લઇ માછીમારોને દરિયો ના ખેડવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવેલ છે.
આગામી તા. 30 મે થી તમામ બંદર પરથી માછીમારોને દરીયો ખેડવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે જુન માસથી ઓગસ્ટ માસ દરમિયાન દરીયો તોફાની બને છે. દરીયા અંદર પાણીમાં કરંટ વધતા, દરીયા અંદર જવું મુશ્કેલ બને છે. ગમે ત્યારે તોફાની મોજા વધતા જાનમાલની નુકશાની થવાની ભીતિ રહે છે. જેથી તંત્ર દ્વારા આ સમય દરમિયાન દરિયો ખેડવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ