કલ્યાણપુરમાં ગેરકાયદે ખનીજનું વહન કરતા ટ્રક સાથે બે શખ્સો ઝડપાયા

પોલીસે રૂ.10.31 લાખનો બોકસાઈટનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

ખંભાળીયા તા.8
કલ્યાણપુરમાં ગેરકાયદે બોકસાઈટના જથ્થાનું વહન કરતા ટ્રકો સાથે બે શખ્સોને ઝડપી લઈ પોલીસે રૂ.10.31 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના વિરપર ગામે આવેલ રમણિક મૂળજી થાનકી લિઝના ધારક રમણિક મૂળજી થાનકી તથા સંચાલનકર્તા દ્વારા પોતાની મંજુર/કરારખત થયેલ લિઝનો બોકસાઈટ ખનીજનો જથ્થો ન હોવા છતાં લિઝ બહારના વિસ્તારમાંથી ભરેલ બોકસાઈટ ખનીજ માટે તેઓની લિઝના ઓનલાઈન રોયલ્ટી પાસ ખોટી રીતે ઇસ્યુ કરી રોયલ્ટીનો દુરુપયોગ કરી-કરાવડાવી જમીન માલિક આરોપી જગા પીઠા કાબરીયા તેમજ વાહન માલિક ભરત વજશી ગોજીયા તથા તેઓની સાથે સંકળાયેલા ભાવેશ પીઠા કાબરીયા દ્વારા બોકસાઈટ ખનીજનો બિન અધિકૃત રીતે નિકાસ કરી સ્ટોક રજિસ્ટ્રેશન વિસ્તાર વેલબક્ષ માઇનટેક કિલન યુનિટ ખાતે લઈ જવા ઉપયોગ કરી ડમ્પરમાં ભરેલ બોકસાઈટ ખનીજ માટે રોયલ્ટી પાસ ન હોવા છતાં પણ તે રોયલ્ટીનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટી રીતે ઇસ્યુ કરેલ રોયલ્ટી પાસથી ખનન તથા પરિવહનનો અધિકાર ન હોવા છતાં રોયલ્ટી પાસનો દુરુપયોગ કરી લિઝની બહારના બોકસાઈટ ખનીજનું ખનન તથા વહન કરી/કરાવી કુલ 236.624 મેં.ટન બોકસાઈટનો જથ્થો નિયમોનુસાર કિંમત રૂ.10,31,321ના બોકસાઈટ ખનીજનું મુદ્દામાલ પોતાના આર્થિક ફાયદા સારું પૂર્વયોજિત કાવતરું રચી પોતાનો બદ ઈરાદો પૂરો પાડવા સારું બોકસાઈટ ખનીજના જથ્થાનું વહન કરી સરકારની રોયલ્ટી બાબતે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી લિઝની બહારના વિસ્તારમાંથી સરકારની કિંમતી બોકસાઈટ ખનીજની ચોરી કરી નાણાકીય તિજોરીમાં આર્થિક નુકશાન પહોચાડ્યું હતું.
આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે દ્વારકા રોયલ્ટી ઇન્સપેક્ટર અંકુર ભાદરકાની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ એલ.સી.બી.પી.આઈ કે.કે.ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે આરોપી જગા પીઠા કાબરીયા તથા ભાવેશ પીઠા કાબરીયા નામના બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ