કાલાવાડ તાલુકાના સતિયા ગામની મહિલાનું પોતાના ઘેર બાથરૂમમાં પટકાઈ પડતાં મૃત્યુ

શ્રમિકનો એકલવાયા જીવનથી કંટાળી જઈ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામમાં રહેતી એક મહિલા પોતાના ઘેર બાથરૂમમાં એકાએક પટકાઈ પડી હતી, અને ગંભીર ઇજા થતાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતી વિજુબેન પાલાભાઈ સબાડ નામની 40 વર્ષની પરણીતા કે જે પોતાના મકાનના ફળિયામાં આવેલા બાથરૂમમાં ગઈ હતી, જે દરમિયાન ચક્કર આવતાં નીચે પટકાઈ પડી હતી, અને નાકમાંથી લોહી નીકળી ગયું હતું.
તેથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ પાલાભાઈ વજુભાઈ સબાડે પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
શ્રમિકનો આપઘાત
જામનગર તાલુકાના મતવા ગામમાં રહેતા શ્રમિક યુવાને પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઇ આત્મહત્યા કરી લીધી છે. મૂળ દાહોદના વતની અને હાલ જામનગર તાલુકાના મતવા ગામમાં રહેતા ખેડૂત કુરજીભાઈ ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રમેશ સલુભાઈ નામના 42 વર્ષના આદિવાસી યુવાને પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ