જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવવા માર્ગદર્શિકા જાહેર કરાઈ

જો કોઈ સ્થળેથી મચ્છરોનું બ્રીડિંગ મળી આવશે તો નિયમાનુસાર દંડ કરવામાં આવશે

હાલમાં વર્ષાઋતુ હોવાથી પાણીજન્ય કે વાહકજન્ય રોગો થવાની સંભાવના વધુ રહેલી હોય છે. આપણા ઘર, સોસાયટી, વાડા-વિસ્તારમાં, ખુલ્લી જગ્યા, ધાબા પર પડેલ સરસામાન, ટાયર, પક્ષી કુંજ, ચાટ વગેરેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સંભાવના હોય છે. આ ભરાઈ રહેલા પાણીમાં મચ્છર ઈંડા મુકતા હોય છે, જેનાથી મચ્છરજન્ય/ વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મલેરીયા, ચીકનગુનીયા વગેરે ગંભીર રોગચાળો ફેલાય છે. તેથી જામનગર શહેર વિસ્તારના તમામ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, પ્રમુખ અને તમામ નાગરિકો વર્ષાઋતુમાં સોસાયટીના કે ફ્લેટના ધાબા ઉપર જો વરસાદી પાણી ભરાઈ રહેતું હોય, તો આઉટ-લેટ પાઇપો સાફ કરાવે અને પાણી નિકાલની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરે તે ઈચ્છનીય છે.
સોસાયટી કે ફ્લેટમાં કોઈપણ જગ્યાએ જૂનો સરસામાન, ટાયર, પક્ષી કુંજ, ચાટ કે અન્ય કોઈ પણ વસ્તુઓ કે જેમાં પાણી ભરાઈ રહેતું હોય, તો તેમાંથી પાણીનો નિકાલ કરાવીને આ સાધનો યોગ્ય જગ્યાએ મૂકવાની વ્યવસ્થા કરાવવી જોઈએ. જેથી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ ના રહે અને મચ્છરોનું બ્રીડીંગ ન થાય અને કોઈપણ વ્યક્તિને ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગ ન થાય તે હેતુથી સર્વે જામનગરવાસીઓને ખાસ તાકીદ કરવામાં આવે છે.જામનગર શહેર વિસ્તારના કોઈપણ સોસાયટી કે ફ્લેટ ખાતે જો મચ્છરોનું બ્રીડીંગ મળી આવશે તો ભરાઈ રહેલ પાણીનો નિકાલ કરવા અંગે લેખિતમાં નોટીસ બજવણી કરવામાં આવશે. તેમ છતાં પણ મચ્છરોનું બ્રીડીંગ જો મળી આવશે તો સરકારશ્રીના વેક્ટર બોર્ન ડીસીઝ રેગ્યુલેશન એક્ટ અન્વયે દંડ કરવામાં આવશે. જામનગર શહેરના તમામ નાગરિકો આ ઝુંબેશમાં સહકાર આપે તેમ આરોગ્ય શાખા, જામનગર મહાનગરપાલિકાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ