જામનગરના ચાંદી બજાર સ્થિત ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે અયોધ્યાના શ્રીરામની થીમ પર આધારિત ગણપતિની મૂર્તિ સ્થાપિત થશે

ચાંદીના ગણપતિની મૂર્તિ સાથેની ખંભાળિયા ગેઇટ થી ચાંદી બજાર સુધીની પાલખીયાત્રાનું પણ આયોજન કરાયું

જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 39 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વખતે વિશેષ આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે, અને અયોધ્યા શ્રી રામ ભગવાનની મૂર્તિ ને અનુરૂપ જ ભગવાન ગણેશજીની મૂર્તિનું વિશેષ રૂપે સ્થાપન કરવામાં આવશે. સાથો સાથ ચાંદીની ગણપતિની મૂર્તિની હવાઈ ચોકથી ચાંદી બજાર સુધીની પાલખી યાત્રા પણ યોજાશે જેમાં ધર્મપ્રેમીઓએ જોડાવા ગણેશ મરાઠા મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.
જામનગર ના ચાંદી બજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 39 વર્ષથી ગણેશ ઉત્સવનું ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે, અને ગણેશ ચતુર્થીના દિવસથી લઈને અનંત ચતુર્દશી સુધીના દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.
પ્રતિ વર્ષ જુદી જુદી થીમ પર આધારિત ભગવાન ગણેશજીની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવે છે. જેમાં પણ આ વર્ષે નવું આકર્ષણ ઊભું કરાઈ રહ્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે, તે પ્રકારની ભગવાન ગણેશજીની મૂર્તિ નું નિર્માણ કરવામાં આવ્યું છે, અને સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવ્યા પછી તેનું આગામી તારીખ સાતમી અને ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવશે. જે આ વખતે ગણેશ ભક્તોના દર્શન માટે એક વિશેષ આકર્ષણ રહેશે.
આ ઉપરાંત ગણેશ ચતુર્થી ના જ દિવસે ચાંદીના ગણપતિજીની પાલખીયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખંભાળિયા ગેઇટથી પાલખી યાત્રાનો પ્રારંભ થશે, જે હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, માંડવી ટાવર થી ચાંદી બજાર સુધી પહોંચશે. તે પાલખી યાત્રામાં જોડાવા માટે ગણેશ મરાઠા મંડળ દ્વારા સર્વે નગરજનોને નિમંત્રણ પાઠવાયું છે.
ગણેશ મરાઠા મંડળ દ્વારા આગામી શનિવારને 7મી તારીખે બપોરે બે વાગ્યે ગણપતિની મૂર્તિ નું સ્થાપન કરાશે ત્યારબાદ રવિવારે રાત્રે 9.00 કલાકે 151 દીવડાની આરતી કરવામાં આવશે. જ્યારે ગુરુવારે રાત્રે 10.00 કલાકે હર્ષિદા ગરબી મંડળનો કાર્યક્રમ યોજાયો છે.
તેમજ શનિવારે રાત્રે શ્રીનાથજીની ઝાંખી નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. ત્યારબાદ રવિવાર તારીખ 15.9. ના સવારે આઠ વાગ્યે હવન, તેમજ સાંજે છ વાગ્યે સત્યનારાયણની કથા નું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારબાદ મંગળવાર અને 17મી તારીખે ગણપતિ ની મૂર્તિ ના વિસર્જન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને બપોરે 12 વાગ્યાથી ગણપતિની મૂર્તિના વિસર્જન માટેનું પ્રોસેસન નીકળશે જેમાં પણ સર્વે ગણેશ ભક્તો એ જોડાવા માટે નો અનુરોધ કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ