જામનગર જી.પં. દ્વારા આંગણવાડી સોન વ્હીલ પ્રોજેકટનો કરાયો પ્રારંભ

જામનગર: તા.10
નેશનલ ન્યટ્રીશન મિશન અંતર્ગત આંગણવાડીથી વંચિત વિસ્તારના બાળકોને આવરી લેવાના હેતુસર આંગણવાડીના મકાન બાંધકામ માટે તુરંત જગ્યા મળી શકે તેમ નથી એવા જિલ્લાના (1) જોગવડ રામદુત નગર (2) મોટી ખાવડી સતીવાડી (3) ગાગવાધાર માટે આંગણવાડીની સુવિધા પુરી પાડવા ડે કેર સેન્ટર તરીકે બસ વાહનમાં આંગણવાડી ઓન વ્હીલ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા.
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક દ્વારા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ સાથે પરામર્શ કરીને બે બસ વાહન નિ:શુલ્ક મેળવવામાં આવ્યા તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સીએસઆર અંતર્ગત બાળકોને ગમત સાથે જ્ઞાન મળે તે ધ્યાને લઈ ચાઈલ્ડ ફ્રેન્ડલી કેન્દ્ર બનાવવા બસની અંદર પેઈન્ટીંગ, ફર્નીચર તેમજ લાઈટ, પંખા, પાણી અને શૌચાલય સહિતની સુવિધાથી સંપન્ન 02 બસ તૈયાર કરાવવામાં આવી.
આંગણવાડી ઓન વ્હીલ-ડે કેર સેન્ટરના સંચાલન માટે ત્રણ મહિલા સંચાલક અને બાળકોને પુરક પૌષ્ટીક આહાર સહિતનો સહયોગ 01 વર્ષ માટે આ પાયલોટ પ્રોજેકટરને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી પુરો પાડવામાં આવેલ છે.
ગત તા.06/01/2020ના રોજ કલેકટર રવિ શંકર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આ બન્ને આંગણીવાડીનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં 152 બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૌષ્ટીક પુરક આહારની સાથોસાથ આરોગ્યની પણ સુવિધા પુરી પાડવા આરોગ્ય વિભાગને સાંકળી લેવામાં આવ્યો છે.
તદઉપરાંત આ વિસ્તારનાં 07 માસથી 03 વર્ષનાં બાળકો, સગર્ભા, ધાત્રી માતા તથા કિશોરીઓને પણ નિયમિત પુરક આહાર મળી રહે તે માટે આહારનો પુરક જથ્થો મેળવવા તથા આ 03 ડે કેર સેન્ટરને નિયમિત આંગણવાડીમાં સમાવી લેવા મહિલા અને બાળ વિકાસ વિભાગને દરખાસ્ત કરવામાં આવી છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ