જામ ખંભાળિયા તા.12
ખંભાળિયા શહેરમાં સફાઈ તંત્ર ખાડે ગયું હોવાનો ભાસ નગરજનો કરી રહ્યા છે. નિયમિત રીતે સફાઈ થતી ન હોવા અંગેની વ્યાપક ફરીયાદો વચ્ચે શહેરમાં સફાઈ વ્યવસ્થા સુદ્દઢ કરવા માટેની માંગ પણ નગરજનોમાંથી ઉઠવા પામી છે.
ખંભાળિયાના અનેક વિસ્તારોમાં સફાઈની અનિયમિતતા વગેરે કચરાનો નિયમિત નિકાલ ન થતો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. કચરાના ઢગ નિયમિત ન ઉપડતાં પવનમાં ઉઠીને ઠેર-ઠેર વિખેરાયેલા જોવા મળે છે. પરિણામે ગટરોમાં ભરાઈ જતાં ઉભરાતી ગટરોના કારણે દૂર્ગંધ અને ગંદકીનું સામ્રાજય છવાઈ જાય છે.
અહિંના સતવારા વાડમાં નિયમિત ઉભરાતી ગટરોનું પાણી છેક નગરગેઈટ પાસેના રામ મંદિર સુધી પહોંચાતાં આ માર્ગ પરના રાહદારીઓ, વાહન ચાલકો તથા લત્તાવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સફાઈ વ્યવસ્થા સુદ્દઢ બનાવવા હાલ વોર્ડ વાઈઝ એકથી વધુ સંખ્યામાં મુકાદ્મો રાખવા પડે છે. આ ત્રણ-ત્રણ મુકાદમો રાખવાના કારણે નગરપાલિકાની તિજોરી પર આર્થિક ભારણ પડે છે. આ મુદ્દે નગરપાલિકાના વોર્ડ નં:-6ના સીનીયર સદસ્યા અને પાલિકાના સફાઈ સમિતિના ચેરમેન જયશ્રીબેન ધોરીયાએ ચીફ ઓફિસરને એક લેખિત પત્ર પાઠવી, દરેક વોર્ડ દીઠ એક-એક સેનીટેશન ઈન્સ્પેકટર મુકવા માટેની માંગ કરી છે.
શહેરમાં સફાઈ તંત્ર વધુ સદ્દઢ કરવા શહેરના તમામ સાત વોર્ડમાં સખીમંડળ મારફતે વોર્ડ વાઈઝ સેની. ઈન્સ્પેકટરની નિમણુંક કરવી જોઈએ તેમ મહિલા સદસ્યા દ્વારા જણાવાયું છે.
