જામનગરમાં બેવડી હત્યાનો આરોપી પેરોલ પર છુટી ફરાર ફરી પકડાયો

જામનગર તા 14
જામનગરના 2012 ની સાલના ડબલ મર્ડર કેસના સજા પામેલા આરોપીને રાજકોટની જેલમાંથી પેરોલ પર જામીનમુક્ત કર્યા પછી તે નાસી છૂટ્યો હતો જે આરોપીને જામનગર પોલીસ ની પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમે શોધી કાઢયો છે અને ફરીથી રાજકોટની જેલમાં ધકેલી દીધો છે.
જામનગરમાં 2012ની સાલના ડબલ મર્ડર કેસના એક આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ મનસુખભાઈ ગોહિલ ને ડબલ મર્ડર કેસમાં સજા ફટકારવામાં આવી છે અને હાલ રાજકોટની જેલમાં સજા કાપી રહ્યો છે.
દરમિયાન તેને ચાર દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને તારીખ 27.8.2019 ના દિવસે તેની રજા પૂર્ણ થતી હોવાથી ફરીથી રાજકોટની જેલમાં હાજર થવાનું હતું. પરંતુ આરોપી ચંદ્રેશ જેલમાં હાજર થયો ન હતો. અને ભાગી છુટયો હતો.
ઉપરોક્ત ફરારી આરોપી કેદી જામનગર પંથકમાં આવ્યો હોવાની બાતમીના આધારે જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ગઈકાલે રાત્રે વોચ ગોઠવી આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ મનસુખભાઈ ગોહિલ ને પકડી પાડયો છે. અને ફરીથી તેને રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.
જેલના સિપાઈ સાથે ઝપાઝપી
જામનગરની જિલ્લા જેલમાં રહેલા એક કેદીએ જેલ ના સિપાઈ સાથે ઝપાઝપી અને ગાળા ગાળી કરતા તેની ફરજમાં રૂકાવટ જેલ સિપાઈ દ્વારા નોંધાવવા માં આવી છે.
જામનગરની જિલ્લા જેલમાં રહેલા કાચા કામના તમામ કેદીઓને પોતાની બેરેકમાં જવાનું કહેવામાં આવ્યું હતું. જે સમયે કેદી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ એ બેરેકમાં ગયો ન હોવાથી ફરજ પર હાજર રહેલા જેલના સિપાઈ હરીશભાઈ સુરાભાઈ ચાસીયા એ કેદીને બેરેક મા જતા રહેવાનું કહ્યું હતું.આથી કેદી ઉશ્કેરાઈ ગયો હતો અને જેલના સિપાઈ સાથે બેહૂદું વર્તન કર્યું હતું ત્યાર પછી આવેશમાં આવી જઈ સિપાઈ સાથે ઝપાઝપી અંર ગાળા ગાળી કરી હતી. આ સમયે બીજા સિપાઈ આવી જતા તેની સાથે પણ તકરાર કરી તેઓની ફરજમાં રૂકાવટ પેદા કરી હતી.
આ બનાવ અંગે જેલ સિપાઈ હરિશભાઇ દ્વારા જામનગર પોલીસ મથકમાં પોતાની સાથે ઝપાઝપી કરી પોતાની તેમજ અન્ય કર્મચારીની ફરજમાં રૂકાવટ પેદા કરવા અંગે કેદી સુનિલ ઉર્ફે ધમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે અને કેદી નો જેલમાંથી કબજો લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા બે ઝડપાયા
જામનગરમાં ચલણી નોટ ઉપર એકી બેકી નો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. જામનગર શહેરમાં ખંભાળિયા નાકા પાસે આજે બપોરે જાહેરમાં ચલણી નોટ ઉપર એકી બેકી નો જુગાર રમી રહેલા ભરત લક્ષ્મીદાસભાઈ વશિયર અને સંજય ચંદુભાઈ ચાંદ્રા નામના બે શખ્સોને રૂપિયા 30 હજાર 600 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.

રિલેટેડ ન્યૂઝ