જામનગર મહાનગર પાલિકાની ટીમ આજે સવારે ઘાસચારો વેંચવા સામે કામગીરીમાં હતી ત્યારે એક ઘાસ વિક્રેતાએ ડખો કર્યો હતો અને પાવડો લઈને હુમલો કરવાનો પ્રયાસ કરતા આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
જામનગરમાં રણજીતસાગર માર્ગે મારૂ કંસારા વાડી નજીક એક ખાનગી જમીનમાં ઘાસચારાનું વેંચાણ થતું હોવાથી મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી અને ઘાસનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી કરતા ઘાસ વિક્રેતા દંપતી એ બખેડો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. અને આ પોતાની ખાનગી જમીનમાં ઘાસ વેંચતા હોવાની રજૂઆતો કરી હતી,.
જ્યારે મહાનગરી પાલિકા કર્મચારી દ્વારા ઘાસચારો જપ્તિમાં લેવાની કામગીરી કરતા જ ઘાસ વિક્રેતાએ પાવડા વડે તેની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી ઉચ્ચ અધિકારીને બનાવ ની જાણ કરવમાં આવતા આસી. કમિશનર મુકેશ વરણવા બનાવ સ્થળે દોડી ગયા હતાં અને ઘાસ વેંચાણ માટે લાયસન્સ લેવું ફરજિયાત હોવાનું જણાવતા મામલો બીચક્યો હતો અને ઘાસ વિક્રેતાએ રોડ ઉપર પરિવાર સાથે બેસી જઈ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પછી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. થોડી જ વારમાં પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો હતો અને ઘાસવિક્રતાને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આ પછી ઘાસચારાનું વેંચાણ બંધ કરાવનાર અને હુમલા પ્રયાસ.થી બચેલા મહાનગરપાલિકાના એસ.એસ.આઈ. દિપક પરમાર પણ પોલીસ મથકે પહોંચ્યા હતાં જ્યાં તેમણે પોતાના ઉપર હુમલાનો પ્રયાસ કરવા, ફરજમાં રૂકાવટ કરવા અને ઘાસચારાનું વેંચાણ કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી હતી.
