Jai Hind

જામનગરના બેડી વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ધીંગાણું

હુમલામાં પાંચ વ્યક્તિ ઘાયલ: બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા પછી બંને પરિવારો વચ્ચે ગઈ રાત્રે ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં બંને પક્ષની પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. આ બનાવ મામલે બંને પક્ષ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના બેડી- ગરીબ નગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા અક્રમ ઉર્ફે જહાંગીર અબ્દુલભાઈ કક્કલ નામના 25 વર્ષના યૂવાને પોતાના ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા રહીમભાઈ, કરિમભાઈ, સુલતાનભાઈ, ઇમરાન ભાઈ તથા સિકંદર વગેરે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ હુમલા સમયે પોતાને છોડાવવા માટે આવેલી પોતાની બહેન ફરજાના ઉપર પણ લોખંડના પાઇપ વડે હુમલો કરી દેતાં તેણીને ઈજા થઈ છે. ભાઈ બહેન બંનેનું માથું ફૂટ્યું હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને ત્યાં બંનેને માથામાં ટાંકા લેવા પડ્યા છે.
આ ઉપરાંત સામા પક્ષે અબ્દુલ રહીમ મોહમ્મદભાઈ બુચડ નામના 35 વર્ષના વાઘેર યુવાને પોતાના પરિવારના ત્રણ સભ્યો ઉપર લોખંડ ના પાઇપ- ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા અક્રમ ઉર્ફે જહાંગીર તેમજ ફીરોજા બહેન, યાસ્મીનબેન, જીન્નતબેન, ફારૂકભાઈ અને આરીફભાઇ વગેરે છ શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે ત્રણેય ઇજાગ્રસ્ત ને પણ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. જેઓને પણ માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે, અને ટાંકા લેવા પડ્યા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પ્રેમ લગ્ન ના કારણે બંને પરિવારો વચ્ચે મનદુ:ખ ચાલતું હતું, અને આ બાબતે તકરાર થઈ હોવાને કારણે સામસામાં હુમલા કરાયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે મામલે સિટી બી. ડિવિઝન ની પોલીસ ટીમ વધુ તપાસ ચલાવી રહી છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક અકસ્માતમાં લૈયારા ગામના બે યુવાનો ઘાયલ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મોહનભાઈ ભીખાભાઈ પડાયા (ઉંમર વર્ષ 45) જેઓ ગત 1 ફેબ્રુઆરીના બપોરના ચારેક વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં મિત્ર હનીફભાઈ ને પાછળ બેસાડીને જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ વિસ્તાર માંથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પો ના ચાલકે ઠોકરે ચડાવતાં બંને મિત્રોને ફેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હતી, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવ અંગે ટેમ્પો ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.