યુવક અને તેના માતા-પિતા ઘરે જમવા બેઠા હતા ત્યારે ચાર શખ્સો હથિયારો સાથે આવીને સીધા તૂટી પડ્યા
જામનગરના હાપા એલગન સોસાયટી વિસ્તારમાં એક યુવાનને પારકી પરણિતા સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે. તેણી ના પતિ સહિત ચાર શખ્સો એ યુવાનના ઘરે ધસી આવી લાકડાના ધોકા વડે હુમલો કરી યુવાન તેમજ તેના માતા-પિતાને ઇજાગ્રસ્ત કર્યા હતા. સમગ્ર બનાવ મામલે પોલીસમાં ગુનો નોંધાયો છે.
ફરિયાદી અનિલભાઈ ભીખાભાઈ મેરાણી (ઉ.વ. 51), (રહે. હાપા એલગન સોસાયટી, જામનગર) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના દીકરા અમિતને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક યુવાન ની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ હુમલો કર્યો હતો.
બનાવ સમયે ફરિયાદી, તેમની પત્ની રીટાબેન તથા દીકરો અમિત ઘરે રાત્રિભોજન લઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓ વિજયભાઈ વેલાભાઈ રાઠોડ, યોગેશ પ્રેમજીભાઈ રાઠોડ, દિપક સામતભાઈ રાઠોડ અને ધર્મેન્દ્ર કિશોરભાઈ ડાભી ( રહે. બધા નવાગામ ઘેડ હનુમાન ચોક, જામનગર) વાળા લાકડાના ધોકા લઈને ઘરમાં ધસી આવ્યા હતા.
આરોપીઓએ અમિતને ઢસડીને ઘરની બહાર ખેંચી લઈ જઈ આડેધડ ધોકા વડે માર માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા અનિલભાઈ તથા તેમની પત્ની ને પણ આરોપીઓએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં અમિતને હાથ-પગ, વાંસા તેમજ ડાબી આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી.
આ ઉપરાંત આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
