મહુવામાં ચાર ડેરીઓમાંથી 1189 કિલો અખાદ્ય માવાનો નાશ કરાયો
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શિંગરખીયાના માર્ગદર્શન હેઠળ ખાદ્ય માફિયાઓ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમોએ ફૂડ સેફ્ટી ઓફિસર એન.એસ. સરવૈયાને સાથે રાખી મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ ડેરીઓ અને દુકાનોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.
તપાસ દરમિયાન મહુવાની ચાર મુખ્ય ડેરીઓમાં ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં રામકૃષ્ણ ડેરી (નેસવડ ચોકડી) માંથી 297 કિલો, મધુરમ ડેરી (લાતી બજાર) માંથી 86 કિલો, શ્રી રામ ડેરી (લાતી બજાર) માંથી 508 કિલો અને ગૌતમ ડેરી (ગાંધીબાગ રોડ) માંથી 298 કિલો મળી કુલ 1189 કિલોગ્રામ શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. આ આશરે રૂ. 3,69,080/- ની કિંમતનો જથ્થો અત્યંત અસ્વચ્છ હાલતમાં અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 ના નિયમોના ભંગ સાથે સંગ્રહિત કરવામાં આવ્યો હતો. પોલીસ અને ફૂડ વિભાગે આ શંકાસ્પદ જથ્થાના સેમ્પલ મેળવી બાકીના તમામ 1189 કિલો માવાનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને સંબંધિત વેપારીઓને નોટિસ ફટકારી હતી. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. મહાવીરસિંહ ગોહિલ, ગુલમહંમદભાઇ કોઠારીયા, પી.સી. કાનજીભાઇ નકુમ, શક્તિસિંહ સરવૈયા અને ડી.પી.સી. સુરૂભા ગોહિલ જોડાયા હતા.
