જામનગર: પક્ષીઘરમાં પક્ષીઓ માટે ફુવારા મુકાયા

પક્ષીઓને ગરમીમાં રાહત મળે તે માટે મનપાનું આયોજન

જામનગર મહાનગરપાલિકા સંચાલિત રણમલ લેક સ્થિત પક્ષીઘરમાં વસવાટ કરતા વિવિધ પ્રજાતિના પક્ષીઓને ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પક્ષીઘરના વિવિધ પાંજરાઓમાં આધુનિક પાણીના ફૂવારા તથા ઠંડકની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.રણમલ લેકના મધ્યભાગમાં આવેલા પક્ષીઘરમાં જુદી જુદી છ પ્રજાતિના આશરે ચારસો જેટલા પક્ષીઓ રાખવામાં આવ્યા છે. જેમાં લવબર્ડ, બજરિગર સહિતના વિવિધ રંગબેરંગી પક્ષીઓનો સમાવેશ થાય છે. પક્ષીઓ માટે અલગ અલગ 20 જેટલા વિશાળ પાંજરાઓ બનાવવામાં આવ્યા છે.ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને દરેક પાંજરામાં વિશેષ પ્રકારના પાણીના ફૂવારા કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી સતત પાણીના છંટકાવથી ઠંડકનું વાતાવરણ સર્જાઈ રહે અને પક્ષીઓને ગરમીમાં રાહત મળે. મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે ખાસ સમયગાળા દરમિયાન આ ફૂવારા ચાલુ રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.માહિતી મુજબ વહેલી સવારે પક્ષીઓને ખોરાક આપવામાં આવે છે. ત્યારબાદ બપોરના સમયે પાંજરામાંથી ખોરાકની ટ્રે દૂર કરી પાણીના ફૂવારા શરૂ કરવામાં આવે છે. ફરી સાંજના સમયે ફૂવારા બંધ કરી પક્ષીઓને ખોરાક આપવામાં આવે છે. આ સંપૂર્ણ વ્યવસ્થા પક્ષીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું મનપા તંત્ર દ્વારા જણાવાયું છે.આ આયોજન જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી. એન. મોદી, સિટી ઇજનેર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની તેમજ વર્ક આસિસ્ટન્ટ જીગર જોશી અને હિરેન સોલંકી ના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ