મોટી ખાવડી વિસ્તારમાં ટેન્કરોને રોકી ડ્રાયવર-ક્લીનર ધમકી આપી દસ્તાવેજોની લૂંટ

પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસ

જામનગર તાલુકાના મોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ગેસના ટેન્કરોને રોકી ડ્રાઇવરો અને કલીનર ને ધમકી આપી ગેરકાયદેસર અવરોધ ઉભો કરવા તેમજ રૂપિયા પડાવી લેવાના ગંભીર આક્ષેપો સાથે ત્રણ શખ્સો સામે મ પોલીસ માં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભારત પેટ્રોલિયમ કંપનીમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા કે. સંધિલકુમાર કૃષ્ણમૂર્તિ એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની કંપની સહિત અન્ય પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા એલ.પી.જી. ગેસ ભરાવવા માટે ટેન્કરો મોટી ખાવડી વિસ્તારમાં આવેલા પાર્કિંગ યાર્ડમાંથી મોકલવામાં આવે છે.
ફરિયાદ અનુસાર હાલની પરિસ્થિતિમાં એલ.પી.જી. ગેસનો પુરવઠો સમયસર જળવાઈ રહે તે અત્યંત જરૂરી હોય કંપની દ્વારા ટેન્કરોને ગેસ ભરાવવા માટે રવાના કરવામાં આવ્યા હતા. તા. 14 મેના રોજ આશરે 102 જેટલા ખાલી ટેન્કરોને એલ.પી.જી. ભરાવવા માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 1836 ટન ગેસ ભરાવાનો હતો.
આ દરમિયાન સવારે અંદાજે 9:30 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી મોટી ખાવડી ખાતે શિવ હોટલ નજીક કેટલાક શખ્સોએ ટેન્કરોને રોકી રાખ્યા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચાંપા બેરાજા ના કિશોરસિંહ ગગુભા જાડેજા, મોટી ખાવડી ના જુવાનસિંહ મહોબતસિંહ જાડેજા તથા ભાતેલ ગામના મહેન્દ્રસિંહ જીતુભા જાડેજા નામના ત્રણેય શખ્સોએ મળી ટેન્કર ડ્રાઇવરો વગેરે ને ગાળો આપી ધમકાવ્યા હતા તેમજ ટેન્કરમાંથી બળજબરીપૂર્વક નીચે ઉતારી ગેરકાયદેસર અવરોધ ઉભો કર્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે જો એલ.પી.જી. ગેસ ભરવા જશો તો ટેન્કર સાથે જીવતા સળગાવી દઈશું તેવી ધમકી આપી ડ્રાઇવરો ને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ટેન્કરોની બિલ્ટી, ડી.ઓ. લેટર અને સી.સી.એફ. જેવા મહત્વના દસ્તાવેજો બળજબરીથી આંચકી લેવામાં આવ્યા હતા.
ફરિયાદ અનુસાર ત્રણેય શખ્સોએ એક ટેન્કર ડ્રાઇવર પાસેથી મૃત્યુનો ભય બતાવી રૂ. 2000 રોકડા પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ જો ગેસ ભરેલા ટેન્કરો રોડ પર મોકલવામાં આવશે તો ટેન્કરો સળગાવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે. આ ઘટનાના કારણે ટેન્કર ડ્રાઇવરો અને કલીનર માં ભયનો માહોલ ફેલાયો હતો અને એલ.પી.જી. પુરવઠાની કામગીરીમાં અવરોધ ઉભો થયો હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ