અંડર 19 કેટેગરીની મેચમાં જામનગર ડિસ્ટ્રિકટ સિનીયર ટીમ વિજેતા બની
જામનગર ક્રિકેટ બંગ્લોમાં આયોજિત પ્રતિષ્ઠિત બહાદુરભાઈ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટની અંડર-19 તથા સિનિયર કેટેગરીની ફાઇનલ મેચો રવિવાર તા. 17 મેના રોજ રમાઈ હતી. ટુર્નામેન્ટમાં યુવા ક્રિકેટરોના ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ક્રિકેટપ્રેમીઓ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફાઇનલ મેચોના પ્રારંભે કોર્પોરેટર સુભાષભાઈ જોશીએ બંને ટીમોના ખેલાડીઓને અભિનંદન પાઠવી મેચનો શુભારંભ કરાવ્યો હતો. અંડર-19 કેટેગરીની ફાઇનલ મેચ જામનગર ડિસ્ટ્રિક્ટ અને જામનગર રુરલ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં જામનગર રુરલ ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 122 રન નોંધાવ્યા હતા. જેમાં મયુર રાઠોડે 36 અને સૌમ્ય ચાંદ્રાએ 32 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
123 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જામનગર ડિસ્ટ્રિક્ટ ટીમે શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે માત્ર 16.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આસિફ ચૌહાણે 44 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી જ્યારે હરીઓમ યાદવે નોટઆઉટ 28 રન નોંધાવી ટીમને વિજય અપાવ્યો હતો. આ સાથે જામનગર ડિસ્ટ્રિક્ટ ટીમ અંડર-19 કેટેગરીમાં ચેમ્પિયન બની હતી.
બીજી ફાઇનલ મેચ જામનગર ડિસ્ટ્રિક્ટ સિનિયર ટીમ અને રાજકોટની બાસુંદા ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઈ હતી. બાસુંદા ક્રિકેટ ક્લબે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 111 રન નોંધાવ્યા હતા.
112 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જામનગર ડિસ્ટ્રિક્ટ ટીમે સંયમપૂર્ણ બેટિંગ સાથે 6 વિકેટે 115 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. જેમાં કેરવ રાવલે 31 રન, દિવ્યરાજ ચૌહાણે 20 રન અને રોહન મથરે નોટ આઉટ 19 રનનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે જામનગર ડિસ્ટ્રિક્ટ સિનિયર ટીમ ટુર્નામેન્ટની વિજેતા બની હતી.
સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સાથે નિલેશભાઈ ઉદાણી, હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટ્ટ, હસમુખભાઈ જેઠવા, શિશિરભાઈ કટારમલ, પ્રવીણભાઈ માડમ, ચંદ્રેશભાઈ પટેલ, લાલજીભાઈ સોલંકી, કિશનભાઈ માડમ, ભાવેશભાઈ ગાગીયા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી અજયભાઈ સ્વાદિયા, વિનુભાઈ, ધ્રુવ, ભરતસિંહ જાડેજા, જયેશભાઈ કટારિયા, ભીખુભા જાડેજા, દિલીપભાઈ ચંદ્રશેખર, શ્રી બક્ષી, પી.ડી. ત્રિવેદી, ભરતભાઈ મથર, રણજીતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ બહાદુરભાઈ કોઠારી પરિવાર, યુવા ક્રિકેટરો, વાલીઓ અને ક્રિકેટપ્રેમીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ભરતભાઈ મથ્થર, નરેનભાઈ કણજારીયા, મુદાસીર ઘોણિયા, કેતનભાઈ પટેલ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેનેજર ભરતભાઈ મથ્થરની યાદીમાં જણાવાયું છે.
