ફાયર શાખા દ્વારા એકવીસ પાણીના ટેન્કર ખાલી કરાયા છતાં કચરાના ઢગલા નીચે ધૂંધવાતાં ઝેરી ધુમાડા
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ડમ્પિંગ પોઈન્ટ સાઇટ પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી સતત સળગી રહેલા કચરાના ઢગલાઓમાંથી ભારે પ્રમાણમાં ધુમાડા અને ઝેરી વાયુઓ નીકળતા આસપાસના વિસ્તારોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.મળતી માહિતી મુજબ ગુલાબનગર વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટ પર કચરાના ત્રણ મોટા ઢગલાઓમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ ની ટીમો દોડી ગઈ હતી. ગઈકાલે પંદર જેટલા જવાનો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાર જેટલા પાણીના ટેન્કરો મારફતે આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જોકે કચરાના ઢગલાઓ અંદરથી સતત ધુંધવાતા રહેતાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નહોતી. પરિણામે આજે બીજા દિવસે પણ અગ્નિશામક વિભાગના પંદરથી વધુ જવાનો દ્વારા ફરીથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે વધુ નવ પાણીના ટેન્કરો ખાલી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આમ બે દિવસ દરમિયાન કુલ એકવીસ પાણીના ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં આગ હજુ યથાવત રહી છે.આગના કારણે સમગ્ર વિસ્તારમાં ઘેરા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. ગુલાબનગર ઓવરબ્રિજ પરથી પણ આ ધુમાડા દૂર સુધી સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો ઝેરી ધુમાડાના કારણે ભારે પરેશાની અનુભવી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા આજે વહેલી સવારથી નવી વ્યૂહરચના હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગના પાંચ જેટલા ફાયર ઓફિસરોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા પ્રયાસોને કારણે આગ પર આંશિક કાબૂ મેળવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ ડમ્પિંગ સાઇટ ખાતે કચરાના ઢગલાઓ અંદરથી સતત ધુંધવાતા રહેતાં આગ બુઝાવવાની કામગીરી મુશ્કેલ બની રહી હતી. જેને ધ્યાનમાં રાખી આજે વહેલી સવારથી જ ફાયર વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી આગને ચારેય તરફથી કાબૂમાં લેવા માટે નવી વ્યૂહાત્મક વ્યવસ્થા ગોઠવી હતી.જામનગર ફાયર બ્રિગેડ શાખાના હાલના ઈન્ચાર્જ અધિકારી ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ ફાયર ઓફિસર જે બી રાણા, અનવર ગજ્જણ, ઉમેદ ગામેતી, જયંતિ ડામોર, અને કામિલ મહેતા સહિતની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી કચરાની અંદર રહેલી સુપ્ત આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.ફાયર વિભાગના જણાવ્યા મુજબ આજના પ્રયાસો બાદ આગ પર અંદાજે એંસી ટકા સુધી કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગના કારણે ફેલાતા ધુમાડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણવા મળે છે. ફાયર વિભાગે આશા વ્યક્ત કરી છે કે જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો આજે મોડી સાંજ અથવા રાત્રિ સુધીમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી જશે.
