જામનગરના મહિલા પોલીસ મથક પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં સ્ટેશનને નુકસાન

પરોઢિયે બનેલી ઘટના, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

જામનગર શહેરના મહિલા પોલીસ મથકમાં પરોઢિયે એક ગંભીર ઘટના સર્જાઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનના કારણે મહિલા પોલીસ મથકની બાજુમાં આવેલા વિશાળ વૃક્ષોમાંથી એક વૃક્ષ મૂળ સહિત ઉખડી જઈ સીધું પોલીસ મથક ઉપર ધરાશાયી થતાં સમગ્ર પોલીસ મથકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદભાગ્યે બનાવ સમયે પોલીસ મથક બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પોલીસ મથક અને અંદરના સરકારી સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં અચાનક જોરદાર ધડાકા સાથે વિશાળ વૃક્ષ મહિલા પોલીસ મથક ઉપર પડ્યું હતું. જૂના નળિયાવાળા મકાનમાં ચાલતા મહિલા પોલીસ મથકની છત અને નળિયાં તૂટી પડતાં અંદર કાટમાળના ઢગલા સર્જાયા હતા. ઘટનાના કારણે પોલીસ મથકમાં રાખવામાં આવેલું ફર્નિચર, દસ્તાવેજો અને અન્ય સરકારી સામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ સવારે મહિલા પોલીસ કર્મચારી હેતલબા રાઠોડ ફરજ પર પહોંચ્યા ત્યારે થઈ હતી. તેમણે પોલીસ મથકની હાલત જોઈ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. સાથે જ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પાંચ જેટલા ફાયર જવાનો કરવત સહિતના સાધનો સાથે કામગીરીમાં જોડાયા હતા. વૃક્ષની વિશાળ ડાળીઓ અને થડને કાપી દૂર કરવા માટે સતત બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ મથક અને આસપાસનો વિસ્તાર સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો. વૃક્ષ પડતાં પીજીવીસીએલની વીજલાઈનને પણ નુકસાન થયું હતું. વીજ વાયરો તૂટી ગયા હતા તેમજ વીજ મીટર ઉખડીને લટકી જતાં સમગ્ર પોલીસ મથકનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે પોલીસ મથકમાં વીજળી સંબંધિત કામગીરી પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. બનાવ બાદ મહિલા પોલીસ મથકના પીએસઆઈ કલ્પનાબા જાડેજા સહિત 20થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓએ પોલીસ મથકની બહાર ખુરશીઓ ગોઠવી કામકાજ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઇમારતની હાલત અને અંદર પડેલા કાટમાળને કારણે નિયમિત કામગીરી શક્ય બની નહોતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહિલા પોલીસ મથકને તાત્કાલિક ધોરણે અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળે છે. નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પોલીસની કામગીરી વૈકલ્પિક રીતે ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી જામનગરમાં પવનની તીવ્રતા વધી ગઈ છે. તેના કારણે અનેક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ તૂટવાની અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. મહિલા પોલીસ મથક પર સર્જાયેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ સરકારી મિલકતને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ