ચાર સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી
જામજોધપુર તાલુકાના અમરાપર ગામે જમીન સંબંધિત જૂની અદાવતને લઈને 3 મહિલાઓ ઉપર થયેલા હુમલાના બનાવમાં પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ તા. 8 જૂનના રોજ સવારે અમરાપર ગામની ગૌશાળા નજીક રોડ પર આરોપીઓએ જૂના જમીન વિવાદનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે અમરાપર ગામની રહેવાસી જીવીબેન વિરમભાઈ કારાવદરા એ જામજોધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી નાગાજણભાઈ ભીમાભાઈ ઓડેદરા, ભરમીબેન, ભાવનાબેન દુદાભાઈ ઓડેદરા તથા માનવ નાગાજણભાઈ એ એકસંપ થઈ લોખંડ ના પાઇપ અને લાકડા ના ધોકા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો.
હુમલામાં ફરિયાદીને ડાબા હાથની કોણીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા ઉપરાંત ખભા અને હાથમાં ઈજાઓ પહોંચી હતી. સાથે રહેલી સાકળબેનને હાથ, ખભા અને માથાના ભાગે જ્યારે સુમિત્રાબેનને ખભા, પેટ તથા પગના ભાગે ઈજાઓ પહોંચ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે જામજોધપુર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેની વધુ તપાસ પીએસઆઈ એચ.બી. વડવીયા ચલાવી રહ્યા છે.
