નાસ્તો કરાવી બાળકોને અભ્યાસ કરવા પ્રેરીત કરાયા
ગત તા. 7 જૂન ના ઉપાસના પ્રતિષ્ઠાન દ્વારા જામનગર માં આવેલ અંબર ચોકડી વિસ્તારના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોને નાસ્તો કરાવી તેમના ચહેરા પર આનંદ અને ખુશીની લાગણી પ્રગટાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આવનારા વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ (12 જૂન) નિમિત્તે બાળ મજૂરીના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ કોઈપણ સંજોગોમાં બાળ મજૂરીથી દૂર રહી પોતાના અભ્યાસ અને સર્વાંગી વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપવામાં આવી હતી.
ઉપાસના પ્રતિષ્ઠાનના સંસ્થાપક તેમજ સંચાલક સન્માન્ય ઉપાસના ઠક્કર એ જણાવ્યું હતું કે, સમાજના વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા તેમજ તેમના જીવનમાં શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસનું સિંચન કરવું એ સંસ્થાનો મુખ્ય હેતુ છે. આવા સામાજિક કાર્યક્રમો દ્વારા બાળકોમાં જાગૃતિ લાવવાનો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રેરિત કરવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
