જામનગર મ.ન.પા. દ્વારા અતિ જર્જરિત અને જોખમી ઈમારતોના ડિમોલીશનની પ્રક્રિયા શરૂ

અત્યંત જર્જરીત 6 ઈમારત ધારકને નોટીસ ફટકારાઈ

જામનગરમાં ચોમાસા ની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના સર્જાય નહીં, અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે હેતુ થી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત અને જોખમી ઇમારતોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ દરમિયાન કુલ 6 ઇમારતો અત્યંત જર્જરિત અને માનવજીવન માટે જોખમરૂપ હોવાનું સામે આવતા સંબંધિત મિલકતધારકોને આખરી નોટિસો પાઠવવામાં આવી હતી.
આ કાર્યવાહીના ભાગરૂપે આજે મંગળવાર થી મહાનગરપાલિકા ની ટાઉન પ્લાનિંગ શાખા, એસ્ટેટ શાખા તથા અન્ય સંબંધિત વિભાગોની ટીમો દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત અને તકનિકી સ્ટાફની મદદ પણ લેવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાના સર્વે મુજબ ત્રણબત્તી વિસ્તારમાં આવેલી ગીતા લોજ ની જૂની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઇમારતને અગાઉથી ખાલી કરાવી દેવામાં આવી છે અને તેના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તે ઉપરાંત પટેલ કોલોની , નવાગામ , સરુ સેક્શન રોડ, ગ્રેઇન માર્કેટ જૂનું મકાન તેમજ જામના ડેરા પાસે આવેલી મહાનગરપાલિકાની બે જૂની કચેરીઓને પણ અતિ જર્જરિત જાહેર કરવામાં આવી છે.
કેટલાક બાંધકામોને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવ્યા છે. તથા સુરક્ષાના ભાગરૂપે પાણીના જોડાણો પણ કાપી નાખવામાં આવ્યા છે. હાલ તમામ ઇમારતો વપરાશમુક્ત કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની શક્યતા રહેતી હોવાથી જાહેર સલામતીને પ્રાથમિકતા આપી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ શહેરની અન્ય જોખમી ઇમારતોનું મૂલ્યાંકન કરીને જરૂરી પગલાં લેવામાં આવશે.આજે ગીતા લોજ વાળી ઇમારત ની પાડતોડ શરૂ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ