ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ પકડવા પેટ્રોલીંગ સઘન બનાવાયું
જામનગર જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજી ઓટોરિક્ષાઓ સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રાઇવ દરમિયાન ઓટોરિક્ષાના દસ્તાવેજો, નંબર પ્લેટ, પાર્કિંગ તેમજ ડ્રાઇવરોના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને ગત રાત્રે કુલ 382 ઓટો રીક્ષા નું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી 41 રીક્ષા ચાલકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઓટોરિક્ષાઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર, વીમા, પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત ખોટી તથા ફેન્સી નંબર પ્લેટ ધરાવતી રિક્ષાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન કુલ 382 ઓટોરિક્ષાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 90 ડ્રાઇવરોનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ 20 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે બેફિકરાઈથી વાહન ચલાવવાના 11 કેસ, ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ ના 7 કેસ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ 3 કેસ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત નંબર પ્લેટ સહિતના વિવિધ નિયમભંગ બદલ 27 સમાધાન પાવતીઓ ફટકારી કુલ રૂ. 13,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.આ કામગીરી શહેરના સીટી ‘એ’, સીટી ‘બી’, સીટી ‘સી’, બેડી મરીન, પંચ ‘એ’, પંચ ‘બી’, ટ્રાફિક શાખા તથા એલસીબીના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
