જામનગર શહેરના સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટી એરિયામાં ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 7 મહિલા આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 36,150નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ગોલ્ડન સિટી ના ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજા પોતાના રહેણાંક ફ્લેટમાં બહારથી મહિલાઓને બોલાવી ગંજીપત્તાના પાના વડે “તીન પત્તી”નો જુગાર રમાડી રહી છે. બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ફ્લેટના હોલમાં સાત મહિલાઓ ગોળ કુંડાળું વળી જુગાર રમતી ઝડપાઈ હતી. તપાસ દરમિયાન ફ્લેટ માલિક દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજા , નસીમબેન ઇબ્રાહીમભાઈ દલ , મધુબેન જેરામભાઈ વાછાણી , આશાબેન યોગેશભાઈ મેવાણી , લતાબેન હરીશભાઈ હિંદુજા , આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા ,અને લીલાબેન ધિરેનભાઈ ઠાકર ને ઝડપી લીધા હતા. અને રૂ. 36,150 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
