પ્રગતિ પથ યાત્રાના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સાકાર થયેલ જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ
12 વર્ષના શાસનની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ સ્થળોએ તા.08 થી તા.14 જૂન દરમિયાન જિલ્લા કલેકટર પી.બી.પંડ્યા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે તબક્કામાં ‘પ્રગતિ પથ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટર કચેરી ખાતેથી વિવિધ મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ યાત્રાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રારંભિક ચરણમાં આ યાત્રાએ જામનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિવિધ પ્રખ્યાત અને વિકાસાત્મક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ખીજડીયા પક્ષી અભ્યારણ, જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, પી.એમ.શ્રી શાળા-હડિયાણા, ભાદરા ખાતે આવેલ પ્રાકૃતિક ફાર્મ, ભાદરા સ્વામિનારાયણ મંદિર, ઐતિહાસિક યુદ્ધ ભૂમિ સ્થળ ભૂચરમોરી, હાપા રેલવે સ્ટેશન તથા ઓવરબ્રિજ, ઐતિહાસિક સ્થળ ભૂજીયો કોઠો અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વગેરે સ્થળોનો સમાવેશ થાય છે.
મુલાકાત દરમિયાન યાત્રાના સહભાગીઓએ આ તમામ સ્થળોના મહત્વ અને તેની વિશેષતાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ પ્રગતિ પથ યાત્રા અંતર્ગત મુલાકાત લેવાયેલા તમામ સ્થળોએ ચાલી રહેલી તેમજ પૂર્ણ થયેલી વિવિધ યોજના-પરિયોજનાઓની વિગતવાર માહિતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે જ મુલાકાતીઓને ગાઈડ દ્વારા જે-તે સ્થળના ઐતિહાસિક અને વિકાસાત્મક મહત્વની સચોટ જાણકારી પણ આપવામાં આવી હતી તેમજ નાગરિકોની સુવિધા માટે સ્થળ પર સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ ગરિમામય યાત્રાના પ્રારંભે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, દંડક અમર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી વિનોદભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, વન વિભાગના સી.સી.એફ. મનીશ્વરા, અરુણકુમાર, અંકુર પટેલ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર આદર્શ બસેર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી યાત્રાને સફળ બનાવી હતી.
