648 ગ્રામ ગાંજા સાથે મહિલાની ધરપકડ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમ વિસ્તારમાં મેઘપર (પડાણા) પોલીસે એક મહિલા ને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.37,400 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જોગવડ ગામની સીમમાં રામદુતનગર વિસ્તારમાં રવિવારી ગુજરી બજાર ગ્રાઉન્ડ પાછળ આવેલી એક ભાડાની ઓરડીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મેઘપર (પડાણા) પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ત્યાં રહેતી સુનીતા વિધ્યાચલ યાદવ (ઉ.વ. 43), મૂળ ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લાના ગોવિંદપુર ગામની રહેવાસી અને હાલ જોગવડ ગામે ભાડાની ઓરડીમાં રહેતી મહિલાના કબજામાંથી 648 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.37,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, જ્યારે ફરારી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
