જામનગરમાં પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારીની વળતી ફરિયાદ

ચણતર કામ દરમિયાન બાજુના મકાનમાં સીમેન્ટ-રેતી ઉડતા થયો હતો ડખ્ખો

જામનગર ના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઘર પર ચાલી રહેલા બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી પડવાની બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમતા સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ દિગ્વિજય પ્લોટ-58, હિંગળાજ ચોક, ગોળના ગોડાઉનવાળી ગલીમાં રહેતા જગદીશભાઈ રમણીકભાઈ નંદા એ ફરિયાદ નોંધાવી છે કે તેમના ભત્રીજા રોહિતભાઈ રામજીભાઈ નંદા ના ઘરે કડિયાકામ ચાલી રહ્યું હતું. બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી તેમના ઘર તરફ પડતા હોવાથી તેમણે આ બાબતે રજૂઆત કરી હતી.
આ રજૂઆતને લઈને રોહિતભાઈ નંદા ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ડાબા હાથના ખભા પાછળના ભાગે ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
દરમિયાન ફરિયાદીના પત્ની વચ્ચે પડતાં આરોપી નિકીતાબેન રોહિતભાઈ નંદાએ તેમના પર હુમલો કરી બંને હાથ તથા શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ રીનાબેન ધવલભાઈ નંદા અને રેખાબેન રામજીભાઈ નંદા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી તથા તેમના પત્ની સાથે ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીના પત્ની અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું પણ નોંધાયું છે.
આ બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આગાવ આ મુદ્દે સમા પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી.

રિલેટેડ ન્યૂઝ