મહાનગરપાલિકાની વિવિધ શાખાનો સ્ટાફ તૈનાત કરાયો
જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની અને અત્યંત જર્જરીત કસ્ટમ હાઉસવાળી ઇમારતને તોડી પાડવાની કામગીરી રવિવારે વહેલી સવારથી ભારે મશીનરીની મદદથી શરૂ કરવામાં આવી હતી. માર્કેટમાં રવિવારે રજા અને ઓછી અવરજવર રહેતી હોવાથી તંત્ર દ્વારા આ દિવસ પસંદ કરીને એક જ દિવસમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવાનો આયોજનબદ્ધ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ સવારે અંદાજે 8 વાગ્યાથી એક હિટાચી અને બે જેસીબી મશીનોને કામે લગાડવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો તેમજ ટ્રાફિકની અવરજવર પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. ડિમોલિશન કામગીરીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા, એસ્ટેટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, લાઇટ શાખા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા હતા. સુરક્ષા અને તકેદારીના તમામ પગલાં સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ આ જ ઇમારતની પાડતોડ દરમિયાન છતનો એક હિસ્સો તૂટી પડતા ત્રણ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ત્રણેય શ્રમિકોની તબિયત સંપૂર્ણ સુધારાપર હોવાનું જાણવા મળ્યું છે, અને તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત શ્રમિકોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ તેમના આરોગ્ય અંગે નિયમિત માહિતી મેળવવામાં આવી રહી છે. શ્રમિકોની સ્થિતિમાં સતત સુધારો નોંધાઈ રહ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. જર્જરીત ઇમારતને કારણે આસપાસના વેપારીઓ, રહેવાસીઓ અને રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિમોલિશનની કામગીરી ઝડપથી અને સલામત રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું સિક્યુરિટી વિભાગના અધિકારી અનવર ગજ્જણ તેમજ દબાણ હટાવ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ જણાવ્યું હતું.
