વર્ષ 2014માં જામીન પર મુકત થઈ ફરાર થઈ ગયો હતો
ગુજરાત માં પોલીસ દ્વારા રાજ્યવ્યાપી “ઓપરેશન કારાવાસ-2” ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષ-2012 દરમિયાન જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળા પર ગેંગરેપનો અત્યંત ગંભીર અને ચકચારી બનાવ બન્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી મજબૂત પુરાવાઓના આધારે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ ટ્રાયલ પૂર્ણ થતાં અદાલતે આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. સજાના સમયગાળા દરમિયાન આરોપી પારસ ઉર્ફે ધોરીયો મોહનભાઈ ઉર્ફે રામરોટી ડાભી ( રહે. જુના રેલવે સ્ટેશન વિસ્તાર, જામનગર ) તા. 13.8.2014 ના રોજ ચાર દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો અને ત્યારથી સતત પોલીસ પકડથી દૂર રહ્યો હતો. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી છેલ્લા 12 વર્ષથી પોતાની ઓળખ છુપાવી, સતત રહેઠાણ અને સંદેશાવ્યવહારના માધ્યમોમાં ફેરફાર કરી વિવિધ રાજ્યોમાં આશ્રય લઈ રહ્યો હતો. આ દરમિયાન પેરોલ-ફર્લો સ્ક્વોડના સ્ટાફ ને મળેલી ચોક્કસ માહિતીના આધારે ફરાર કેદીને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીએ છેલ્લા 12 વર્ષ દરમિયાન ક્યાં-ક્યાં સ્થળોએ આશ્રય લીધો હતો તથા ફરારી દરમિયાન કોઈ અન્ય ગુનાઓ આચર્યા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ કરી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
