રાજ્ય કક્ષાએ ‘શોધ’ શ્રેણીમાં પ્રથમ ક્રમ મેળવનાર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જામનગર

જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં સ્થાપિત કરવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની મદદથી શહેર તથા જિલ્લામાં બનતા વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા અને તપાસમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા દર ત્રણ મહિને રાજ્યના તમામ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ અંતર્ગત વર્ષ-2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન તા. 01/01/2026 થી તા. 31/03/2026 સુધી જામનગર નેત્રમ ટીમે ઉત્કૃષ્ટ કામગીરી નોંધાવી હતી.
જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી. સિંગલ અને તેમની ટીમ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન નેત્રમ ટીમે વાહન અકસ્માત બાદ નાસી જવાના 10 બનાવો, ગુમ થયેલા તથા અપહરણના 02 બનાવો અને ચોરીના 24 ગુનાઓનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ઉપરાંત ગુનો બન્યા બાદની તપાસના 289 બનાવોમાં મહત્વની માહિતી અને પુરાવા ઉપલબ્ધ કરાવી તપાસને સફળ બનાવવામાં મદદરૂપ બની
હતી. સાથે જ 20 અરજદારોને તેમનો ખોવાયેલો કિંમતી સામાન પરત અપાવવામાં સફળતા મેળવી હતી.
આ રીતે કુલ 345 ગુનાઓ અને અરજીઓના ભેદ ઉકેલવામાં નોંધપાત્ર યોગદાન બદલ જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ)એ રાજ્ય કક્ષાએ “શોધ” શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તા. 15/06/2026ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ. મલિક ના હસ્તે નેત્રમ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી. સિંગલને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ