જામનગરના લીમડાલાઇન વિસ્તારમાં થોડા દિવસો અગાઉ મોબાઇલની દુકાનમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવા મારફતે પોલીસને થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી દુકાનના માલિકને કસ્ટડીમાં લઈ ગઈ હતી. હવે આ મામલે દુકાનના કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતાં પોલીસે દુકાનના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ હાલાર હાઉસ પાસે આવેલી સ્ટાર બિલ્ડિંગમાં રહેતા દિનેશ વસ્તારામજીભાઈ રાજપુરોહિત છેલ્લા પાંચ મહિનાથી લીમડાલાઇન વિસ્તારમાં આવેલી ’ઉમિયા માય ફોન’ મોબાઇલ એસેસરીઝની દુકાનમાં નોકરી કરે છે. ગત 30 જૂનના રોજ તેઓ દુકાનમાં ફરજ પર હાજર હતા ત્યારે ઉપરના ભાગે રહેતા દુકાનના માલિક લવેશભાઈ નાથાભાઈ વાંક દુકાને આવ્યા હતા. તે સમયે દિનેશભાઈએ તેમને નેકબેન્ડ બતાવવાની વાત કરતાં લવેશભાઈ નશાની હાલતમાં હોવાનું જણાયું હતું અને તેઓ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ લવેશભાઈએ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગાલ પર ત્રણથી ચાર ઝાપટા મારી દીધા હતા. ત્યારબાદ દિનેશભાઈએ દુકાનના સંચાલક રાજેશભાઈ હિરાલાલ ભાનુશાળીને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. દરમિયાન આરોપીએ દુકાનમાં રહેલી ખુરશી ફેંકી મારતાં બચાવ કરવા હાથ આડો રાખતાં તેમના હાથમાં ઇજા પહોંચી હતી.
ઘટના બાદ દિનેશભાઈએ 112 ઇમરજન્સી સેવાને જાણ કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. મારપીટમાં ગળા સહિત શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચતાં દિનેશભાઈએ જી.જી. હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ઘટના બાદ દુકાન અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા ચાલતી હોવાથી તેઓ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે દુકાનના માલિક લવેશભાઈ નાથાભાઈ વાંક સામે કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જે તે વખતે દુકાનના કર્મચારી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરી ન હતી, અને દુકાન માં થયેલા હંગામા અને દુકાન બહાર પણ હંગામો થવાથી કોઈ પબ્લિકના વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.આથી 112 ની ટીમ જે તે વખતે આરોપીને નશા ભરેલી હાલતમાં ઝડપી લઇ પોલીસ લોકઅપમાં બેસાડી દીધો હતો.
ત્યારબાદ ગઈકાલે ઇજાગ્રસ્ત દુકાનના કર્મચારીએ પોતાની દુકાન બીજે શિફ્ટ કરી લીધા પછી આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરીથી બીજો ગુનો નોંધવામાં આવ્યો છે. જે તે વખતે નશો કરવાની હાલતમાં આરોપીની ધરપકડ થઈ હતી.
