જામનગરમાં ડી.આર.ડી.ઓ.ની ઓફીસમાં સળગતો ફેન ખુરશી પર પડયો

જામનગરના લાલ બંગલા વિસ્તારમાં આવેલી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી (ડી.આર.ડી.એ.)ની ઓફિસમાં બુધવારે સવારે છત પર લગાવેલો ઇલેક્ટ્રિક ફેન અચાનક શોર્ટ સર્કિટના કારણે સળગી ઊઠ્યો હતો. સળગતો ફેન નીચે પડેલી ખુરશી પર પડતાં ખુરશીમાં પણ આગ લાગી હતી અને ઓફિસમાં આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા ફેલાતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ સળગી રહેલી ખુરશી અને પંખાને બહાર કાઢી આગ પર ઝડપથી કાબૂ મેળવી લીધો હતો. જેના કારણે આગને વધુ પ્રસરી જતી અટકાવવામાં સફળતા મળી હતી.આ ઓફિસમાં લાકડાનું ફર્નિચર, મહત્વના સરકારી દસ્તાવેજો તેમજ અન્ય સામગ્રી રાખવામાં આવેલી હતી. ઉપરાંત ઓફિસની ઉપર જિલ્લા કલેક્ટરનું સરકારી નિવાસસ્થાન આવેલું હોવાથી જો થોડો પણ વિલંબ થયો હોત તો આગ સમગ્ર ઓફિસમાં પ્રસરી ઉપર આવેલા નિવાસસ્થાન સુધી પહોંચી મોટા પ્રમાણમાં નુકસાન સર્જી શકી હોત.

રિલેટેડ ન્યૂઝ