ભારે વરસાદની આગાહીને પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ સજ્જ

એસડીઆરએફની ટીમ તૈનાત; જોખમી ઈમારત પર તંત્રની નજર

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાએ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે. શહેરમાં વરસાદથી સર્જાઈ શકે તેવી પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે ફાયર વિભાગ, એસ્ટેટ વિભાગ તથા અન્ય સંબંધિત શાખાઓને એલર્ટ પર રાખવામાં આવી છે.
મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બચાવ માટે જરૂરી તમામ સાધન-સામગ્રી, બોટ, લાઇફ જેકેટ, દોરડા, કટર સહિતના ઉપકરણો તૈયાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારો, જળભરાવની શક્યતા ધરાવતા વિસ્તારો તેમજ જોખમી ઇમારતો પર સતત નજર રાખવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
એસડીઆરએફની ટીમ પણ શહેરમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય. મહાનગરપાલિકાના અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવા તેમજ કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અથવા ફાયર વિભાગનો સંપર્ક કરવા અપીલ કરી છે.
જામનગર મહાનગરપાલિકાએ ભારપૂર્વક જણાવ્યું છે કે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સમગ્ર તંત્ર 24 કલાક સ્ટેન્ડબાય અને સંપૂર્ણ સજ્જ બન્યું છે.

રિલેટેડ ન્યૂઝ