પોલીસે 70,450ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા જુગાર અંગે અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જામજોધપુર, કાલાવડ ગ્રામ્ય, લાલપુર તથા જામનગર શહેરના ધારાનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પાંચ મહિલા અને એક કિન્નર સહિત કુલ છવ્વીસ શખ્સો ઝડપાયા હતા. પોલીસે ચારેય સ્થળેથી કુલ રૂ. 70,450ની રોકડ, સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામજોધપુર પોલીસે ગીંગણી ગામની સીમમાં આવેલી અશોકભાઈ ભગવાનજીભાઈ આલોદ્રાની વાડીના ઝૂંપડામાં ચાલતા જુગાર પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અશોકભાઈ ભગવાનજીભાઈ આલોદ્રા ઉપરાંત રૂપેશભાઈ નવીનભાઈ લાડાણી, મનોજભાઈ વલ્લભભાઈ શાપરીયા, દીપકભાઈ ખીમજીભાઈ કાલરીયા અને મહેન્દ્રભાઈ પોપટભાઈ હિંગશજીયા ઝડપાયા હતા. પોલીસે કુલ રૂ. પિસ્તાળીસ હજારની રોકડ, ગંજીપત્તાના પાના, જુગારમાં વપરાતા એકસો ટોકન તથા અન્ય મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.
બીજો દરોડો કાલાવડ ગ્રામ્ય પોલીસે મોટી માટલી ગામના બસ સ્ટેન્ડ નજીક નદી કાંઠે ઈંટોના ભઠ્ઠા પાછળ જાહેરમાં ચાલતા તીનપત્તી “રોન પોલીસ” જુગાર પર દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અનિલભાઈ પ્રેમજીભાઈ વાઘેલા, રજાકભાઈ કારાભાઈ પઠાણ, પ્રવીણભાઈ બાલુભાઈ પરમાર, પાલાભાઈ હઠાભાઈ ગમાસ, કાંતીભાઈ અમરાભાઈ મકવાણા, વિક્રમસિંહ ઉદેસિંહ ચૌહાણ, સંજયભાઈ જીવરાજભાઈ મકવાણા તથા ગીરધરભાઈ રાશીંગભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. તેમની પાસેથી કુલ રૂ. 4,210 ની રોકડ કબજે લેવામાં આવી હતી.
ત્રીજો દરોડો લાલપુર પોલીસે નાંદુરી ચોકડી નજીક કેતનભાઈ જમનભાઈ માકડીયાની ખેતીની જમીન પાસે નદી કાંઠે ચાલતા તીનપત્તી જુગાર પર દરોડો પાડી હરેશભાઈ દામજીભાઈ માકડીયા, કમલેશભાઈ બાલકૃષ્ણભાઈ દુધરેજીયા, અકબરભાઈ જુમાભાઈ અખાણી, રમેશભાઈ મૂળજીભાઈ ધોળકિયા, ઓનઅલી રમજાનઅલી કાનાણી તથા દેવજીભાઈ જેરાજભાઈ નેસડિયા ને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 10,240 ની રોકડ કબજે કરી છે.
ચોથો દરોડા માં જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં શિવ મંદિર સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ચાલતા તીનપત્તી જુગાર પર દરોડો પાડી પાંચ મહિલાઓ અને બે પુરુષ સહિત કુલ સાત શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં માનસંગ ધીરુભા કંચવા, હિતેશ ભીખુભાઈ નાંગશ, કિન્નર ભારતીદે મીનાદે , માનકુંવરબા વિક્રમસિંહ જાડેજા, ભારતીબેન ભીખુભાઈ નાંગશ, ચંદ્રાબા નાનભા જેઠવા અને કિરણબા માનસંગ કંચવાનો સમાવેશ થાય છે. પોલીસે કુલ રૂ. અગિયાર હજાર બસોની રોકડ કબજે કર્યા હતા.
