અખંડ રામધુનના 62 વર્ષ પૂર્ણ થતા મહાઆરતી સહીતના કાર્યક્રમો યોજાયા: ભાવિકોનું ઘોડાપુર ઉમટયું
જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે તા. 1 ઓગસ્ટ, 1964ના રોજ પૂજ્ય શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલી અખંડ “શ્રી રામ જય રામ જય જય રામ” રામધૂને શનિવારે 62 વર્ષ પૂર્ણ કરીને 63મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. આ અવસરે મંદિર ખાતે સાંજે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી.
બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂન ગઈકાલે તેના 22,643મા દિવસે પણ અવિરત ચાલુ છે. દિવસ-રાત સતત ચાલતી આ રામધૂનને કારણે જામનગરના બાલા હનુમાન મંદિરને વિશ્વભરમાં આગવી ઓળખ મળી છે અને આ અનોખી પરંપરાએ બે વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. દિવંગત સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે પ્રારંભ કરાવેલી આ અખંડ રામધૂન છેલ્લા છ દાયકાથી વધુ સમયથી કોઈપણ કુદરતી કે માનવસર્જિત આફતો વચ્ચે પણ અવિરત ચાલુ રહી છે. રામનામના આ મહામંત્ર દ્વારા લાખો ભાવિકોમાં ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ પ્રસર્યો છે.63મા વર્ષના પ્રારંભ નિમિત્તે યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર રામનામના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું અને ભાવિકોએ વિશ્વકલ્યાણ તથા સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
